Traffic Tail

પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

SHARE:

પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

હકારાત્મક પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકકલ્યાણકારી યોજનાઓ સુરત જિલ્લાના પ્રજાજનો સુધી પહોંચાડવા તત્પર ‘ટીમ સુરત’: અરવિંદ મછાર

નર્મદા જિલ્લા માહિતી કચેરી ખાતેથી સંયુકત માહિતી નિયામક તરીકે બઢતી મેળવી પ્રાદેશિક માહિતી કચેરીનો પદભાર સંભાળતા અરવિંદ મછારઃ
પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારનું સુરત માહિતી પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામક(જોઈન્ટ ડિરેક્ટર)શ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિધિવત પદભાર સંભાળનાર શ્રી મછારની જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી અને જિલ્લા વહીવટી તંત્ર અને સંચાર માધ્યમો સાથે સુસંકલનની ભૂમિકા અગત્યની સાબિત થશે. ‘ટીમ માહિતી’ હકારાત્મક પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકકલ્યાણકારી યોજનાઓ સુરત જિલ્લાના પ્રજાજનો સુધી પહોંચાડશે તેવી કટિબદ્ધતા નવનિયુક્ત JDIશ્રીએ દર્શાવી હતી. નાયબ માહિતી નિયામક તરીકે નર્મદા જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા શ્રી અરવિંદ મછારનું સંયુકત માહિતી નિયામક તરીકે પ્રમોશન થતા સુરત પ્રાદેશિક માહિતી કચેરીનો પદભાર સંભાળ્યો હતો.

દક્ષિણ ગુજરાતથી કારકિર્દીની શરૂઆત

વર્ષ-૧૯૯૬માં શ્રી અરવિંદ મછારે વલસાડ જિલ્લામાં માહિતી મદદનીશ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ દાંડી, નવસારી, મહેસાણા સહિત પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવી પોતાના કૌશલ્યથી સૌને પ્રભાવિત કર્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલયમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ચૂક્યા છે શ્રી અરવિંદ મછાર

સિનિયર સબ એડિટર તરીકે ગાંધીનગર પ્રકાશન શાખા તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતેના જનસંપર્ક કાર્યાલયની વિશેષ ટીમ જેવા મહત્વપૂર્ણ સ્થાનો પર મહત્વપૂર્ણ ભૂમિકા બખૂબી નિભાવી ચૂક્યા છે. સિનિયર સબ એડિટરમાંથી બઢતી મેળવીને મહિસાગર જિલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવનાર શ્રી મછાર ગોધરા, આણંદ, નડિયાદ ખાતે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક તરીકે પણ કરજ નિભાવી ચૂક્યા છે. જે બાદ પુન: મુખ્યમંત્રીના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી હતી.

ટીમ સુરત દ્વારા ઉષ્માભેર સ્વાગત

પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા શ્રી અરવિંદ મછારનું નાયબ માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીસા તેમજ સહાયક માહિતી નિયામકશ્રીઓ મહેન્દ્ર વેકરીયા અને ચીમન વસાવા સહિત સમગ્ર સુરત માહિતી પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. નવા સ્ટાફ મિત્રો સાથે પરિચિત થયા બાદ તેમણે માહિતી પરિવારના ઉષ્માપૂર્ણ આવકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!