તા.૨૩મીએ મહુવા અને ૨૪મીએ ઉમરપાડા અને ૨૫મીએ કામરેજ ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ યોજાશે
વડીલોએ કેમ્પનો લાભ લેવા સુરત જિલ્લા વહીવટીતંત્ર તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવાનો અનુરોધ
સુરત જિલ્લા વહીવટીતંત્ર તથા એલિમ્કો-ઉજ્જૈનના સંયુક્ત ઉપક્રમે બારડોલી લોકસભા વિસ્તારમાં વડીલો માટે તબક્કાવાર એસેસમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે તા.૨૩મીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર-મહુવા, તા.૨૪મીએ સામૂહિક આ. કેન્દ્ર-ઉમરપાડા અને ૨૫મીએ સામૂહિક આ.કેન્દ્ર-કામરેજ ખાતે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ યોજાશે. જેમાં ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા જરૂરિયાત મુજબ વરિષ્ઠ નાગરિકોને ચાલવાની લાકડી, કાખઘોડી, હીયરીંગ એઇડ (કાનનું મશીન), કૃત્રિમ દાંત, ચશ્મા, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘુંટણના પટ્ટા, પગની સંભાળ કિટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચલાવવાની લાકડી, કોમોડ સાથે ફોલ્ડીંગ ખુરશી વગેરે સહાયક સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૧૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધીનો રહેશે. કેમ્પમાં આવનાર લાભાર્થીઓએ આધાર કાર્ડ તથા બીપીએલ કાર્ડ અથવા આધાર કાર્ડ તથા રેશનકાર્ડ સાથે આવકનો દાખલો(આવકમર્યાદા ૧,૮૦,૦૦૦/-) સાથે લાવવો જરૂરી છે.
આવકનો દાખલો તલાટી, સરપંચ, નગરપાલિકા કોર્પોરેટર, જિ.પં. સભ્ય, સાંસદ, ધારાસભ્ય અથવા સક્ષમ અધિકાર્રી પૈકીનો કોઈ એકનો દાખલો લાવવો. જિલ્લા વહીવટીતંત્ર તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા વરિષ્ઠ નાગરિકોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.





