તા.૧૫મી જૂને શહેરના કુલ ૨૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનારી લોકરક્ષક કેડરની પરીક્ષા માટે જરૂરી પ્રતિબંધો: પોલીસ કમિશનરનું જાહેરનામું:
તા.૧૫મી જુનને રવિવારે સુરત શહેરમાં કુલ ૨૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત લોકરક્ષક કેડરની પરીક્ષા યોજાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ, પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા ૨૦૬ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા, વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ પરીક્ષામાં રોકાયેલ અને સરકારી નોકરી કે રોજગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ તા.૧૫/૬/૨૦૨૫એ અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.






