પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આંગલધારા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘાસચારો કાપવા માટે વહેલી સવારે નાયકી ફળિયામાં રહેતા 55 વર્ષીય કલાબેન બાબુભાઈ પટેલ ગયા હતા.કલાબેન ઘાસચારો કાપી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આશરે 25 થી 30 વર્ષીય અજાણ્યો ઈસમ આવ્યો હતો. અને કલાબેનને મોઢાના ભાગે કોથળી પહેરાવી ગળું દબાવી આડી પાડી દૂર સુધી ઘસડી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
કલાબેનના હાથમાં ઘાસ કાપવાનું દાતરડું હતું.જે દાતરડું સ્વબચાવમાં તેઓએ બુમાબુમ કરી આમ તેમ ફેરવવાનું શરૂ કર્યું હતું. જે દાતરડાથી અજાણ્યા યુવાનને જમણા ભાગે માથાના ભાગે તેમજ બન્ને હાથે સામાન્ય ઇજાઓ થતા મહિલાએ કરેલા પડકારથી ગભરાઈને યુવાન નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો.
જે ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી હત્યાનો પ્રયાસ કરનાર યુવાનની આજુબાજુના ગામો તેમજ હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી.પોલીસ દ્વારા નજીકના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા.ઉપરાંત લોહી વાળો હાથ રૂમાલ કબજે લઈ પરિવારના સભ્યોની કોલ ડિટેલ મેળવી તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.અને ગણતરીના કલાકોમા પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર યુવાનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.
મહુવા તાલુકાના કોષ ગામે રહેતા ઉમેશ રતીલાલભાઈ પટેલને શંકા આધારે તેના ઘરેથી ઊંચકી કડક પૂછતાછ હાથ ધરી હતી.અને પોલીસ તપાસમાં યુવાન ભાંગી પડ્યો હતો અને પોતે મહિલાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી મહુવા પોલીસ દ્વારા યુવાન ઉમેશ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન હત્યાનો પ્રયાસ કરનાર ઉમેશ પેટલે કબૂલ્યુ હતુ કે મહિલા કલાબેન પટેલની મોટી વહુ સાથે તેને પ્રેમ સબંધ હતો.અને મહિલા તેની મોટી વહુને નાનીનાની વાતોમાં ખૂબ હેરાન કરતી હતી.જે તમામ બાબતો પ્રેમિકા વહુ ફોન પર પોતાનો પ્રેમી ઉમેશને કહેતી હતી જેથી ઉમેશે પ્રેમિકાની સાસુ કલાબેન પટેલની હત્યાનો પ્લાન બનાવી દિધો હતો અને મંગળવારે હત્યા કરવાના ઈરાદે તેમના પર હુમલો કર્યો હતો.






