મહુવાના કરચેલીયા ગામે રહેતો યુવાન બારતાડ ગામની સીમમાંથી વહેતી ખાડીમાં માછલી પકડવા માટે ગયો હતો.તે દરમિયાન ખાડીના પાણીમાં પડતા યુવાનને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ખાડીના પાણીમાં માછલી મારવા માટે કરંટ મુકનાર બારતાડના 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવાના કરચેલીયા ગામે જૂની આઈ.ટી.આઈ નજીક રહેતો 19 વર્ષીય યુવાન કૃણાલ હર્ષદભાઈ નાયકા તા-30/08/2023ને મંગળવારે સાંજે મહુવા તાલુકાના બારતાડ ગામની સીમમાંથી વહેતી ધુમાસી ખાડીમાં માછલી પકડવા માટે ગયો હતો.તે દરમિયાન અચાનક તે ખાડીના પાણીમા પડતા તેને વીજકરંટ લાગતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.ઘટના અંગે મૃતક યુવાનના પિતાએ મહુવા પોલીસને જાણ કરી હતી.જેથી મહુવા પી.એસ.આઈ એસ.એમ.પટેલ અને સ્ટાફ દ્વારા ઘટનાની ગંભીરતા સમજી ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા ધુમાસી ખાડીમા માછલી મારવા માટે કેટલાક ઈસમો દ્વારા ખાડીના પાણીમાં કરંટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી.અને મહુવા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ખાડીના પાણીમાં માછલી મારવા માટે કરંટ મુકનાર બારતાડ ગામના ચાર ઈસમો શોધી કાઢી તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખાડીના પાણીમાં કરંટ મુકનાર આ ઈસમો સામે ગુનો નોંધાયો
પાણીમાં જીવંત વીજતાર મુકવાથી તે જીવંત વીજતારના સંપર્કમાં આવવાથી કોઇપણ માનવજાત કે પ્રાણીનું મુત્યુ થઇ શકે છે તેમ જાણવા છતા પણ આ કામના અશોકભાઇ નાનુભાઇ પટેલ, પ્રિતેશભાઇ જયંતિભાઇ પટેલ,જીગ્નેશભાઇ જયંતિભાઇ પટેલ,જયંતિભાઇ કાંતુભાઇ પટેલ (તમામ રહે-બારતાડ,ખંડાલ ફળિયું, તા.મહુવા જી.સુરત)નાઓએ ખાડીના પાણીમાં માછલી મારવા માટે કરંટ મુક્યો હતો.જેથી પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




