તા.૭મી ડિસેમ્બર: સશસ્ત્ર સેના ધ્વજ દિન
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સશસ્ત્ર સેના ધ્વજ દિન માટે ભંડોળ આપી દેશના રક્ષકો પ્રત્યેનું ઋણ અદા કર્યું.
સુરતના નાગરિકોને દેશના વીર જવાનોના હિતાર્થે ફાળો આપવા જિલ્લા કલેકટરની અપીલ
મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી દેશના સીમાડાઓની સુરક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાંના અવસર ‘તા.૭મી ડિસે.-સશસ્ત્ર સેના ધ્વજ દિન’ નિમિત્તે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં સુરત જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે પોતાનો વ્યક્તિગત ફાળો આપી જવાનો પ્રત્યે ઋણ અદા કર્યું હતું.
કલેક્ટરશ્રીએ દેશના સીમાડાઓથી માંડીને પૂર-વાવાઝોડા-ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોના જાન-માલના બચાવ અને રાહતની કામગીરી કરનારા વીર જવાનો તથા તેમના પરિવારોના કલ્યાણ માટે આર્થિક યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની પરવા કર્યા વિના દેશ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર, કાયદો અને વ્યવસ્થાની જાણવણી તેમજ કુદરતી આપદાઓની પરીસ્થિતિઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડેપગે રહેતા આપણા સૈનિકો અને પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના કુટુંબીજનો પ્રત્યે ઋણ અદા કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.
સેવા-દાન માટે હંમેશા અગ્રેસર રહેતા સુરતીઓની સેવાભાવનાથી ગત વર્ષે રૂ.૭૫.૫૭ લાખનું ભંડોળ એકત્રિત કરી રાજ્યભરમાં સૌથી વધુ ફાળો એકત્ર કરનાર જિલ્લા તરીકે સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું એમ જણાવી કલેક્ટરશ્રીએ પહાડથી લઈને સમુદ્ર સુધી ભારતવર્ષની રક્ષા કરનારા ત્રણેય સૈન્ય પાંખોના વીર જવાનોને ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, સૈનિકો, નિવૃત સૈનિકો તથા તેઓના આશ્રિતોના પુનર્વસવાટ અને કલ્યાણ માટે તમામ ઔધોગિક એકમો/સંસ્થાઓ તેમજ દેશના નાગરિકોને ઉદાર હાથે પોતાનો અમૂલ્ય ફાળો “જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસીડેન્સી પાછળ, સરથાણા, સુરત-૩૯૫ ૦૧૩” ખાતે રોકડમાં અથવા “કલેકટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ફંડ સુરત” (COLLECTOR AND PRESIDENT ARMED FORCES FLAG DAY FUND, SURAT) ના નામનો ચેક/ડ્રાફટ મોકલી આપવા તથા નાણાં જમા કરાવ્યા અંગેની જરૂરી સરકારી પહોંચ મેળવવા વિનંતી છે.
આ વેળાએ કલેક્ટર કચેરી ખાતે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારીશ્રી દિવ્યેશકુમાર મુરલીવાલા, પુનર્વસન કચેરીના હેડ કલાર્કશ્રી જે.બી.ટાંક, જુનિયર ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ ભાટી, કલ્યાણ વ્યવસ્થાપક આનંદસિંઘ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.
બોક્ષ
શા માટે થાય છે ‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’’ની ઉજવણી?
દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનો જીવનનિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર તા.૭ ડિસેમ્બર ૧૯૪૯થી સમગ્ર દેશમાં ‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’’ ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં, ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બ્લ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલ્ફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ઘેલું છે.
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસે’ ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જેનો ઉપયોગ દેશની રક્ષા કાજે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે તેમજ ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત્ત થતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે કરવામાં આવે છે.
કોઈ પણ વ્યક્તિ પોતાનો ફાળો સુરત ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે રોકડમાં અથવા ડ્રાફટ/ચેક કલેક્ટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજ દિનફંડ, સુરતના નામનો જમા કરાવીને સરકારી પહોચ મેળવી શકે છે.




