વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધોડીઆ ભાષા સમિતિ દ્વારા વિશેષ આદિવાસી ગીત “આપડો દિહ્” લોન્ચ કરાયું

SHARE:

માતૃભાષા અને સાંસ્કૃતિક વારસાના જતન કાજે ધોડીઆ ભાષા સમિતિની અનોખી પહેલ: “આપડો દિહ્” ગીત લોન્ચ

સુરત, પટેલતા. ૮ ઑગસ્ટ: (કુલીન પટેલ) પવિશ્વભરમાં દર વર્ષે ૯ ઓગસ્ટે ઉજવાતા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ના પાવન અવસરને યાદગાર બનાવવા ધોડીઆ ભાષા સમિતિ, કોસ-અનાવલ દ્વારા વિશેષ આદિવાસી ગીત “આપડો દિહ્” તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતનું ભવ્ય પ્રસારણ ૮ ઓગસ્ટે સવારે ૯:૦૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની ઓળખ, ગૌરવ અને સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરતું આ ગીત જાણીતા આદિવાસી ગાયક ચિરાગ પટેલના મધુર સ્વરમાં રજૂ થયું છે. ગીતને કર્ણપ્રિય સંગીતથી સજાવવાનું કાર્ય લોકપ્રિય સંગીતકાર મોન્ટુ મ્યુઝિક દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સંવેદનશીલ અને પ્રેરણાદાયી શબ્દોની રચના જાણીતા લેખક-કવિ કુલીન પટેલે કરી છે. આ ગીત https://youtube.com/@kulinpatel6127?si=FPkkq-tw4mHQltgx યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જ્યાંથી વિશ્વભરના આદિવાસી સમાજના લોકો તેને સાંભળી શકશે.

ધોડીઆ ભાષા સમિતિ માત્ર ગીતો કે સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી મર્યાદિત નથી. સમિતિ વર્ષોથી ધોડીઆ ભાષા, લોકસંસ્કૃતિ, પરંપરાઓ અને પ્રાચીન લોકકળાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કાર્યરત રહી છે. નવી પેઢી પોતાની માતૃભાષા સાથે જોડાય અને ભાષાકીય વારસો જીવંત રહે તે હેતુથી સમિતિ દ્વારા ‘ધોડીઆ ભાષા અભ્યાસ વર્ગ’ નું આયોજન કરવામાં આવે છે. આધુનિક યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશમાં વસતા ધોડીઆ સમાજના લોકોને એક મંચ પર જોડવા માટે સમિતિ દ્વારા ‘ધોડીઆ ભાષા ઈ-સભા’ યોજવામાં આવે છે, જેમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવે છે. આ ઉપરાંત ધોડીઆ સમાજનું ગૌરવ ગણાતું પરંપરાગત લોકવાદ્ય ‘તુર-થાળી’ આગામી પેઢીઓ સુધી જીવંત રહે તે માટે યુવાનોને તાલીમ આપવામાં આવે છે. સમિતિ દ્વારા ચલાવવામાં આવતા ‘તુર-થાળી વાદન અભ્યાસ વર્ગ’ ને પણ સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ધોડીઆ ભાષા સમિતિએ વિશ્વભરના આદિવાસી સમાજ, સંગીતરસિકો અને સંસ્કૃતિપ્રેમીઓને અપીલ કરી છે કે તેઓ “આપડો દિહ્” ગીતને અવશ્ય સાંભળે, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે અને વિશ્વ આદિવાસી દિવસના આ સાંસ્કૃતિક મહાપર્વમાં સહભાગી બની પોતાની ભાષા અને સંસ્કૃતિના જતનના સંકલ્પને વધુ મજબૂત બનાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!