અનાવલ ગામે પૂર અસરગ્રસ્ત 215 લાભાર્થીઓને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કેશ ડોલનું વિતરણ કરાયું

અનાવલ:-અંબિકા તાલુકાના અનાવલ ગામે પૂરના કારણે પ્રભાવિત થયેલા ગ્રામજનો માટે રાહત કામગીરીના ભાગરૂપે કેશ ડોલ (રોકડ સહાય) વિતરણનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે વિવિધ ગામોના પૂર અસરગ્રસ્તોને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી હતી.
આ સહાય વિતરણ કાર્યક્રમ હેઠળ આંગળધરા, કોસ, વેહવલ, ગાંગડીયા, કુમકોતર, અનાવલ, તરકાણી,
લસણપોર, બુટવાડા, હળદવા, ઉમરા, ભોરીયા, વલવાડા તેમજ ધામખડી સહિતના વિવિધ ગામોના કુલ 215 જેટલા પૂર અસરગ્રસ્ત લાભાર્થીઓને આર્થિક રાહત આપવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કુદરતી આપદાના સમયે સરકાર અને તંત્ર અસરગ્રસ્તોની સાથે છે અને દરેક જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ શિલ્પાબેન તથા અનિલભાઈ મેસુરીયા,જિલ્લા પંચાયત સભ્ય રમીલાબેન,વિવિધ વિસ્તારોના તાલુકા પંચાયત સભ્યો, સ્થાનિક સરપંચો તેમજ સંગઠનના મહામંત્રી યોગેશભાઈ સહિતના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



