Traffic Tail

રીલ્સ Vs રિયાલિટી: સ્માર્ટફોનનો સ્ક્રીન ટાઈમ છોડી ‘યોગ મેટ’ પર ઉતરેલી આજની સ્માર્ટ Gen Z

SHARE:

રીલ્સ Vs રિયાલિટી: સ્માર્ટફોનનો સ્ક્રીન ટાઈમ છોડી ‘યોગ મેટ’ પર ઉતરેલી આજની સ્માર્ટ Gen Z
 
Gen Z ઓન યોગ મેટ: અમરોલી કોલેજના વિદ્યાર્થીઓએ બદલ્યો ફિટનેસનો ટ્રેન્ડ
 
નો જીમ, નો મેડિસિન, ઓન્લી યોગા: અમરોલી કોલેજના યોગસાધક પાર્થ ગઢવીનો યુવા પેઢીને ફિટનેસ મંત્ર
 
સ્ક્રીન ટાઈમ બન્યો હેલ્થ ટાઈમ સ્માર્ટફોનના યુગમાં યોગાભ્યાસથી સ્વસ્થ ભારતનો નવો સંકલ્પ

આજનો યુવાન એટલે કે ‘Gen Z’ મોટે ભાગે સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને રીલ્સની આભાસી દુનિયામાં વ્યસ્ત જોવા મળે છે. સામાન્ય રીતે જે મિત્રોનું ગ્રુપ વિકેન્ડ પર સાથે પિક્ચર જોવા કે ફરવા જવાના પ્લાન બનાવતું હોય, તે જ યુવા ધન જ્યારે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યાદગાર બનાવવા માટે ‘યોગ મેટ’ પર એકસાથે જોવા મળ્યું હતું. સુરતના સરસાણા ખાતે આયોજિત ૧૨મા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં અમરોલી કોલેજના યુવાનો પોતાના મિત્રો સાથે સામૂહિક યોગાભ્યાસનો હિસ્સો બન્યા હતા.

ડિજિટલ યુગના બંધનો તોડીને અમરોલી કોલેજના વિદ્યાર્થીઓએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ખરા અર્થમાં યુવા મહોત્સવ બનાવી દીધો. કોલેજના ઉત્સાહી વિદ્યાર્થી પાર્થ ગઢવી પોતાના કોલેજ ફ્રેન્ડ્સના આખા ગ્રુપ સાથે વહેલી સવારે સરસાણા ખાતે યોગાભ્યાસ કરવા પહોંચ્યા હતા. સામાન્ય દિવસોમાં કાફે કે મલ્ટીપ્લેક્સમાં સમય વિતાવતી આ Gen Z પેઢીએ વહેલી સવારે કોમન યોગ પ્રોટોકોલ મુજબ પ્રાણાયામ કરીને કન્વેન્શન સેન્ટરને ઊર્જાથી ભરી દીધું હતું. પોતાના મિત્રો સાથે યોગ કરવાનો રોમાંચ કંઈક અલગ જ હતો અને આ યુવાનોએ સાબિત કર્યું કે ફિટનેસ પણ કૂલ હોઈ શકે છે.
આજના યુવાનો ફિટનેસ માટે મોંઘા જીમ અને પ્રોટીન શેક પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, ત્યારે પાર્થ ગઢવીએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાર્થે પોતાના સાથી મિત્રો અને યુવા પેઢીને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી નિયમિત યોગાભ્યાસ કરી રહ્યો છું અને તેનાથી મને અદભુત શારીરિક તેમજ માનસિક ફાયદા થયા છે. યોગના કારણે છેલ્લા આઠ મહિનાથી મને એકપણ વાર દવાખાને જવાની જરૂર પડી નથી. કોઈપણ મોંઘા જીમમાં ગયા વિના માત્ર નિયમિત યોગ દ્વારા જ મારું શરીર આટલું તંદુરસ્ત, સ્ફૂર્તિલું અને ચુસ્ત છે.
આજની સ્માર્ટફોન પ્રેમી જનરેશનને ખાસ સંદેશ આપતા પાર્થ અને તેના કોલેજ ગ્રુપે જણાવ્યું કે, જો યુવા ધન ધારે તો પોતાની દિનચર્યા બદલીને દેશની તસવીર બદલી શકે છે. ભણતરના સ્ટ્રેસ અને પ્રેશર વચ્ચે મનને શાંત રાખવા માટે યોગાભ્યાસ એ સર્વોત્તમ સાધન છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમરોલી કોલેજના આ ગૃપે દેશના યુવાનોને આહવાન કર્યું છે કે, આવો આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનના ‘સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત’ના વિઝન સાથે જોડાઈએ અને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!