મહુવામાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ
અનાવલ: મહુવા તાલુકાના કોદાદા ગામના તળાવ ફળિયામાં એક ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ થતાં સગીરાની માતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પલસાણામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાની ૧૬ વર્ષ અને ૫ માસની દીકરી એન્જલ છેલ્લા એક મહિનાથી કોદાદા ગામે પિતા સાથે રહેતી હતી. ગત ૫ એપ્રિલે વહેલી સવારે ૮ વાગ્યાના સુમારે પરિવારજનોએ જોયું તો એન્જલ જોવા મળી ન હતી. સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનોને આશંકા છે કે કોઈ અજાણ્યો શખ્સ બદઈરાદાથી સગીરાને લલચાવી-ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર અરવિંદભાઈ કાનજીભાઈ પટેલ ચલાવી રહ્યા છે.




