Traffic Tail

UPSC સિવિલ સર્વિસ-૨૦૨૫નું રિઝલ્ટ જાહેર

SHARE:

UPSC સિવિલ સર્વિસ-૨૦૨૫નું રિઝલ્ટ જાહેર

સુરતમાં સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ ૧) વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા મિહિર પટેલે AIR ૭૦૯ સાથે મેળવી ઝળહળતી સફળતા

UPSCમાં સફળતા માટે શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અપ્રોચ અને સારૂ મિત્ર વર્તુળ અત્યંત આવશ્યક: AIR ૭૦૯ મિહિર પટેલ

મૂળ નવસારીના મિહિર પટેલે UPSCની પરીક્ષામાં ૧ વાર નિષ્ફળતા, ૩ વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ પાંચમાં પ્રયાસે મિહિરે ઓલ ઇન્ડિયા ૭૦૯મો રેન્ક મેળવી રાજ્યને ગૌરવ અપાવ્યું

સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિણામલક્ષી નહીં, પરંતુ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરવા ભાર મૂકતા મિહિર પટેલ

UPSC(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧ તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના નાંદરખા ગામના ૨૬ વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક(AIR)૭૦૯ હાંસલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી છે.
હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી-સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ ૧) વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા શ્રી મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી અને મોટી બહેન છે. તેમણે વર્ષ ૨૦૨૦માં B.E ઇન ITની સ્નાતક ડિગ્રી મેળવી એ જ વર્ષે અમદાવાદ સ્પીપામાં સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી માટે પ્રવેશ મેળવ્યો હતો. ૧ વાર નિષ્ફળતા, ૩ વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ પાંચમાં પ્રયાસે મિહિરે AIR ૭૦૯ મેળવી પરિવાર સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
છેલ્લા ૬ વર્ષથી UPSCની પરીક્ષાની તૈયારી કરતા મિહિરે કહ્યું કે, પિતા સ્વ.રાજેન્દ્રભાઈના આગ્રહથી હું નાનપણથી જ નિયમિત ન્યુઝ પેપર વાંચતો હતો. અને તેમાં છપાતા કલેકટર કે કમિશનરના લેખોમાં તેમણે કરેલા અભ્યાસ, સંઘર્ષભર્યા પરિશ્રમથી ખૂબ પ્રેરણા મળતી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન જનરલ નોલેજ, કરંટ અફેર્સના વાંચનની ઘરેડ પાડી હતી. તેમણે કહ્યું કે, મારી મમ્મી સરકારી શાળામાં શિક્ષિકા છે અને મારા સ્વર્ગસ્થ પિતા હંમેશાથી મને મોટાં સરકારી અધિકારી બનાવવા માંગતા હતા. પરિવારે સતત મારા ધ્યેય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી અને આખરે સફળતા મળી છે.
પોતાની વિશેષ તૈયારી માટે તેમણે કહ્યું કે, UPSCમાં સફળતા માટે શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અપ્રોચ અને સારું મિત્ર વર્તુળ અત્યંત આવશ્યક છે. શિસ્તબદ્ધ તૈયારી તમને અપડેટેડ રાખે છે. સકારાત્મક અપ્રોચ નિરાશાથી બચાવે છે અને સારું મિત્ર વર્તુળ સતત આગળ વધવા અને વધુ સારું કરવા પ્રોત્સાહન આપે છે. જે UPSC જેવી પરીક્ષામાં સફળતા મેળવવા મૂળ મંત્ર જેવા છે.
મિહિરે કહ્યું કે, પરીક્ષાના સમય પ્રમાણે હું સાપ્તાહિક, માસિક અને દૈનિક આયોજન કરી વાંચન કરતો હતો. સાથે જ ભવિષ્યમાં UPSC સહિતની જાહેર સેવાઓને પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવવા ઈચ્છતા અન્ય યુવાઓને તેમણે સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિણામલક્ષી નહીં, પરંતુ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરવા શીખ આપી હતી.
શ્રી મિહિર પટેલને મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડૉ. દિવ્યેશ પટેલ, હેડ ક્વાર્ટર સબ રજીસ્ટ્રારશ્રી અજિતસિંહ રાઠોડ, સબ રજીસ્ટ્રાર ગ્રેડ -૦૧ અંજનાબેન મોંગલપરા અને નોંધણી પરિવારના અધિકારીઓ અને કર્મચારીઓ અને મિત્રવર્તુળે ઝળહળતી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!