સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મધ્યસ્થીકરણ પ્રક્રિયા ૨.૦નો શુભારંભ
પક્ષકારોનાં સમય અને ખર્ચની બચત કરી મધ્યસ્થી દ્વારા થતાં કેસોનો સમાધાનકારી નિકાલનો મોટાં પાયે લાભ લેવા આમ જનતાને અપીલ
સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષશ્રી આર.એ.ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા ખાતે કેસોના સમાધાન માટે મધ્યસ્થીકરણ ડ્રાઈવ ૨.૦નો શુભારંભ કરાયો છે. જેમાં પક્ષકારો પોતાના સમાધાનપાત્ર કેસોની રજૂઆત કરે છે. અને તેમાં અનુભવી, નિષ્ણાંત અને નિષ્પક્ષ મધ્યસ્થી દ્વારા પક્ષકારો વચ્ચે સમાધાન કરાવવા તટસ્થ અને અનુકુળ વાતાવરણ ઉભું કરી બંને પક્ષોની સમસ્યાનું સકારાત્મક અને સુ:ખદ સમાધાન મેળવવા પુરતા અને સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે. આ મીડીએશનમાં થયેલી સમગ્ર પ્રક્રિયાની ગુપ્તતા જાળવવામાં આવે છે. તેમજ મીડીએશનમાં થયેલી સમજુતીને કાનૂની સ્વરૂપ મળે છે. સાથે જ સમાધાનથી કેસનો નિકાલ થવાથી પક્ષકારોને બિનજરૂરી ખર્ચ અને સમયનો બગાડ થતો નથી. જેથી નામદાર હાઈકોર્ટ દ્વારા શરુ કરાયેલી મધ્યસ્થીકરણની પ્રક્રિયાનો મોટાં પાયે લાભ લઈ પક્ષકારોને પોતાના કેસોનો સમાધાનકારી નિકાલ લાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રૂમ નં.૭૨, ૭મો માળ, અઠવાલાઈન્સ, સુરત દ્વારા અપીલ કરવામાં આવી છે.


