રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર કૃષિ ઉત્પાદનોની ભેટ આપતી પ્રાકૃતિક કૃષિ
પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓનું પરંપરાગત જ્ઞાન પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ
પ્રાકૃતિક ખેતી એ આજના સમયમાં ખેતીની એક એવી પદ્ધતિ છે જે કુદરતી સંસાધનોનો સંતુલિત ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે, જમીનને રાસાયણિક ખાતર, જંતુનાશકોથી દૂર રાખી પર્યાવરણને સ્વસ્થ રાખે છે. આ પદ્ધતિમાં ગાયના છાણ-મૂત્ર આધારિત જીવામૃત, ઘન જીવામૃત, બાયોએન્ઝાઇમ અને મિશ્ર પાક જેવી તકનીકોનો ઉપયોગ થાય છે. જેમાં મહિલાઓનું યોગદાન પણ અત્યંત મહત્વનું છે.
રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગનું શારીરિક અને સમય માંગી લેનારું કામ જેમ કે બીજ વાવણી, રોપણી, નિંદામણ, કાપણી, ખેતરની સફાઈ, પશુધનની સંભાળ અને ઘરેલુ ખાતર તૈયાર કરવામાં મહિલાઓ પાવરધી હોય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ મહિલાઓના પરંપરાગત જ્ઞાન અને કુશળતા ખૂબ કામમાં આવે છે.
રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર કૃષિ ઉત્પાદનોની ભેટ આપતી પ્રાકૃતિક કૃષિમાં મહિલાઓની આ ભૂમિકા જોઈએ તો મહિલાઓ ઘરઆંગણે જ બાયો-ઇનપુટ્સ તૈયાર કરે છે. ગાયના છાણમાંથી ખાતર બનાવવું, જીવામૃત તૈયાર કરવું, છોડની પ્રાકૃતિક દવાઓ બનાવવી અને તેનો ખેતરમાં ઉપયોગ કરવામાં મહિલાઓ સહકાર આપે છે. પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક, ઇન્ટરક્રોપિંગ અને સ્થાનિક બીજોનો ઉપયોગ વધુ થાય છે, જેનું જ્ઞાન ધરાવતી મહિલાઓના કારણે આ ખેતીએ વેગ પકડ્યો છે.
કિચન ગાર્ડન, ઔષધીય છોડ અને ફળોની ખેતી એ સ્વાસ્થ્યમાં વધારો કરે છે અને બજાર પર નિર્ભરતા ઘટે છે. વધુમાં, પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરીને તેઓ ઘરની આવકમાં વધારો કરે છે. સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા મહિલાઓ એકબીજાને તાલીમ આપે છે, જ્ઞાન વહેંચે છે અને સામૂહિક રીતે ઉત્પાદનો વેચે છે, જેથી તેમની આર્થિક સ્વતંત્રતા વધે છે. મહિલાઓ જમીનની ગુણવત્તા સુધારવા, પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને જૈવ વિવિધતા વધારવામાં સતત પ્રયાસ કરે છે. રાસાયણિક ખેતીના કારણે થતા પર્યાવરણીય નુકસાનથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવામાં મહિલાઓનો પ્રયાસ મહત્વનો છે. આમ, મહિલાઓ માત્ર પ્રાકૃતિક ખેતી જ નથી કરતી, પરંતુ પરિવાર, સમાજ અને પર્યાવરણની સુરક્ષા અને વિકાસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.



