Traffic Tail

મહુવા તાલુકાના નળધરા ગામે રહેણાંક વિસ્તારમાં કદાવર દીપડો દેખાતા ફફડાટ.

SHARE:

મહુવા તાલુકાના નળધરા ગામે રહેણાંક વિસ્તારમાં કદાવર દીપડો દેખાતા ફફડાટ.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ નળધરા ગામના વાણીયાવાડ ફળિયામાં સાંજના સમયે એક કદાવર દીપડો બિન્દાસ્ત રીતે રોડ ક્રોસ કરતો દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
​ પ્રાપ્ત વિગત અનુસાર ગત સાંજે આશરે 7 વાગ્યાના સુમારે જ્યારે લોકોની અવરજવર ચાલુ હતી, ત્યારે એક કદાવર દીપડો રહેણાંક વિસ્તારમાં નજરે પડ્યો હતો. ત્યાંથી પસાર થતા એક વાહનચાલકે દીપડાને રસ્તો ઓળંગતો જોઈ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ આસપાસના વિસ્તારના લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે.​સ્થાનિકોના જણાવ્યા મુજબ નળધરા ગામમાં દીપડો દેખાવાની આ કોઈ પ્રથમ ઘટના નથી.અવારનવાર શિકારની શોધમાં દીપડો ખેતરાળ વિસ્તારોમાંથી સીધો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે.ખાસ કરીને રાત્રિના સમયે ખેતરે પાણી વાળવા જતા ખેડૂતો અને મજૂરો માટે આ સ્થિતિ ખૂબ જ જોખમી બની ગઈ છે. વાણીયાવાડ ફળિયા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં દીપડાની હાજરીથી નાના બાળકો અને પશુપાલકોમાં ભારે ફાળ પડી છે.
​ગામમાં દીપડાના સતત વધતા જતા આંટાફેરાને પગલે ગ્રામજનોમાં રોષ અને ભય બંને જોવા મળી રહ્યા છે. ગામના અગ્રણીઓ દ્વારા આ બાબતે વન વિભાગને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે.
​દીપડાને પકડવા માટે ગામના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવે.વન વિભાગ દ્વારા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે.​કોઈ જાનહાનિ થાય તે પહેલા વન્ય જીવને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે.એવી માંગ ગ્રામજનો દ્વારા વનવિભાગ પાસે કરવામાં આવી છે.હાલમાં તો દીપડાના ભયને કારણે નળધરા ગામના લોકોએ સાંજ પડતા જ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. હવે જોવાનું એ રહે છે કે વન વિભાગ આ બાબતે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!