મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૬મીએ અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકાશેઃ
આદિવાસી સાહસિકો માટે ઉદ્યોગ વિકસાવવા, લોન સહાય માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતી અને સહાય અંગે સેમિનાર
તા.૨૬ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન ટ્રાઈબલ ટ્રેડ ફેર: આદિવાસી ખાના-ખજાનાના ૭૦ જેટલા સ્ટોલમાં આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માણી શકાશે
મુખ્યમંત્રીશ્રી સુરત જિલ્લામાં રૂ.૬૯૬.૫૩ કરોડના ખર્ચે વિવિધ રસ્તા અને પુલોના કુલ ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૬મી ડિસેમ્બરે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાશે. દિશા ફાઉન્ડેશન અને ધોડિયા સમાજ દ્વારા તા.૨૬ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન ચાર દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનેકવિધ વિકાસકામોનું ભૂમિપુજન તથા લોકાર્પણ હાથ ધરાશે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો પ્રદીપ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ સહયોગી સંસ્થાઓ દ્વારા દિશા ફાઉન્ડેશનના પટાંગણમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૩૦૦ જેટલા વિવિધ સ્ટોલો અને સેમિનાર માટે અલગ અલગ ચાર ડોમ ઊભા કરાયા છે.
ટ્રેડ ફેરમાં ૭૦ જેટલા આદિવાસી ખાના-ખજાનાના સ્ટોલમાં આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માણવા મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સુરત જિલ્લામાં રૂ.૬૯૬.૫૩ કરોડના ખર્ચે વિવિધ રસ્તા અને પુલોના કુલ ૧૫ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રાજય હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રૂા.૧૬૨ કરોડના ખર્ચે ૭ જેટલા રોડ-બ્રિજના કામોનું ખાતમુહૂર્ત થશે.
આદિવાસી ઉદ્યોગ મેળા દરમિયાન તા.૨૬મી ઉદ્યોગ વિકસાવવા અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન, કેપી ગ્રુપના ચેરમેન ફારુક પટેલ દ્વારા બિઝનેસ સમીકરણ વક્તવ્ય અને મોટીવેટર જય વસાવડા સંબંધોના સમીકરણ વિષય પર માર્ગદર્શન આપશે.
તા. ૨૭ મીએ ઉદ્યોગ સાહસિકો માટે બેંક લોન, કરવેરા, કાયદાકીય માર્ગદર્શન, MSME નવીન ટેક્નોલોજી, ઉદ્યોગ અને સ્ત્રીશક્તિકરણ વિશે સેમિનાર થશે.
તા. ૨૮મીએ આદિજાતિ, કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા પર ખેતીવાડી અને બાગાયત વિભાગ માર્ગદર્શન આપશે. તા.૨૯મી એ આંતરરાષ્ટ્રીય બજાર અંગે સેમિનાર યોજા શે.
ચાર દિવસમાં દેશભરના વિવિધ રાજ્યોના આદિજાતિ નૃત્ય પ્રસ્તુતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો

ટ્રાઈબલ ટ્રેડ ફેર માં દરરોજ રાત્રિના ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન દેશભરના આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જેમાં તા.૨૬ મી એ છત્તીસગઢનું કર્મા નૃત્ય, તૂર નૃત્ય, સિદ્દી નૃત્ય, તા.૨૭મીએ રિઝામ લંગરે નૃત્ય (ઝારખંડ), ઘેર નૃત્ય, ડોબરૂ, માદરી નૃત્ય (છત્તીસગઢ), સુવા નૃત્ય ઝારખંડ, તા.૨૮મીએ ધુમાડી નૃત્ય તેલંગાણા, બિહુ નૃત્ય આસામ, હોળી નૃત્ય મહારાષ્ટ્ર, પાવરી અને વસાવા નૃત્ય રજૂ થશે અને તા. ૨૯ મીએ ટીમલી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.





