ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ઓલપાડ તાલુકાના કુલ ૧૦૮ ગામોમાંથી આશરે ૯૯ ગામોમાં ડાંગરના પાકને નોંધપાત્ર નુકશાન: ઓલપાડના તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી દેવેશભાઈ પટેલ
ઓલપાડ તાલુકામાં ૨૫,૭૦૦ હેકટર વિસ્તારમાં ૧૦,૫૦૦ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છેઃ
વાતાવરણમાં આવેલા પલટાથી કમોસમી વરસાદને પરિણામે સુરત જિલ્લામાં ઊભી થયેલી પાક નુકસાનની પરિસ્થિતિને અનુલક્ષી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર સુરત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સર્વે થઈ રહ્યો છે.
ખેતીવાડી વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે તાલુકાના ખેડૂતોને નુકશાન ભોગવવું પડ્યું છે ત્યારે સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જે અંગે વધુ વિગતો આપતા ઓલપાડના તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી દેવેશભાઈ પટેલે કહ્યું હતું કે, ઓલપાડ તાલુકાના કુલ ૧૦૮ ગામોમાંથી આશરે ૯૯ ગામોમાં પાકને નુકશાની જોવા મળી છે.
તાલુકામાં ખરીફ સિઝનમાં કુલ ૨૫,૭૦૦ હેક્ટર વિસ્તાર હેઠળ વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૦,૫૦૦ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે. અત્યાર સુધીમાં ૮૦ ટકા સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે, જેમાંથી આશરે ૧,૭૨૦ હેક્ટર વિસ્તારને પાક નુકશાન થયાનું બહાર આવ્યું છે. સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં વરસાદ અને પાણી ભરાવાના કારણે ડાંગરનો ઉભો પાક નમી ગયો છે. ઘણા સ્થળોએ રસ્તા પર સુકવવા મૂકેલા ડાંગરના દાણા પણ ભેજને કારણે બગડી ગયા છે.
અમારું આખો પરિવાર ખેતી પર નિર્ભર છે, સરકાર પાસેથી સહાયની અપેક્ષા છેઃ ખેડુત મહેન્દ્રભાઈ પટેલ
કમરોલી ગામના ખેડુત મહેન્દ્રભાઈ હર્ષજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમારા પરિવારનું ગુજરાન ખેતી આધારિત છે. આવકનો મુખ્ય સ્ત્રોત જ ખેતી છે. તાજેતરના કમોસમી વરસાદને કારણે મારા ૨૭ વીંધા ડાંગરનો પાક સંપૂર્ણ બગડી ગયો છે. ગામના આશરે ૭૫ ટકા ખેડૂતોના પાકને નુકશાન થયું છે. તેમણે કહ્યું હતું કે, ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં થયેલા આ નુકશાનને ધ્યાનમાં લઈ વળતર રૂપે સરકાર સહાય આપે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. સહાય મળે તો અમને થોડી રાહત મળશે અને આગામી સીઝન માટે હિંમત પણ મળશે.”
ઉનાળે પણ નુકશાન થયું, હવે ફરી એ જ હાલત,સરકાર વ્હારે આવે એવી અપેક્ષા વ્યકત કરતા ખેડુત જીગ્નેશભાઈ પટેલ
કમરોલી ગામના ખેડુત જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમારું ગામ પૂરેપૂરું ખેતી આધારિત છે. અમારા ગામમાં કુલ ૩૨૭ હેક્ટર જેટલો વિસ્તાર ડાંગરના પાક હેઠળ છે એટલે કે આશરે ૧૫૦૦ વીંધા પાકનું વાવેતર કર્યું હતું. જેમાં મેં ૩૦ વીંધા વાવેતર કર્યું હતું. જેમાંથી ૧૮ વીંધા પાકને ભારે નુકશાન થયું છે. ઉનાળાની સિઝનમાં પણ અમને કમોસમી વરસાદના લીધે નુકશાન થયું હતું, અને હવે ફરી એ જ હાલત બની છે. સરકાર પાસે એક જ અપેક્ષા છે કે અમારા જેવા ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળે જેથી અમો ફરી ખેતીમાં ઉભા થઈ શકીએ.”
જાન્યુઆરી ૧૫ સુધી પાણી મળે તો થોડી રાહત થઈ શકેઃખેડુત કનૈયાલાલ પટેલ
કમરોલી ગામના ખેડુત કનૈયાલાલ નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે,“હું છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરું છું, પણ આ વર્ષે જે કમોસમી વરસાદ આવ્યો એણે આખી મહેનત બગાડી નાંખી. ૧૨ વીંધામાં કરેલા ડાંગરનો પાક પૂરેપૂરો બગડી ગયો છે. હાલ તો પાક બચાવવો મુશ્કેલ છે, પણ જો જાન્યુઆરી ૧૫ સુધી ઉનાળાના પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તો થોડી બચત થઈ શકે. સરકારને વિનંતિ છે કે વરસાદથી થયેલી હાલની નુકશાનીમાં સહાયરૂપ બને અને ઉનાળાના પાણીની સુવિધા સમયસર પૂરી પાડે.”
મહિલા ખેડૂત તરીકે ખેતીમાં મોટું નુકશાન થયું,સરકાર પાસે સહાયરૂપે વળતરની આશા છેઃ ખેડુત મહિલા ઉષાબેન પ્રવિણભાઈ પટેલ
પારડી ઝાંખરી ગામ વતની એવા મહિલા ખેડુત ઉષાબેન પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતું કે,“અમોએ ૬ વીંધામાં ડાંગરનું વાવેતર કર્યું હતું. તાજેતરના કમોસમી વરસાદથી અમારા પાકમાં અંદાજે ૮૦ ટકા સુધીનું નુકશાન થયું છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સર્વે કરી લીધો છે, અમે ખેતી પર જ નિર્ભર છીએ, ત્યારે જો સરકાર સહાયરૂપે યોગ્ય વળતર આપે તો ફરીથી ખેતી કરી શકીશું.



