Traffic Tail

મહુવામાં ગુલ્લીબાજ શિક્ષકોનો કેર: કચેરી કામ ના બહાને તાલુકા મથકે જ પડ્યાપાથર્યા રહેતા હોવાની રાવ

SHARE:

મહુવામાં ગુલ્લીબાજ શિક્ષકોનો કેર: કચેરી કામ ના બહાને તાલુકા મથકે જ પડ્યાપાથર્યા રહેતા હોવાની રાવ

અગાઉ પણ આચાર્યો પીરીયડ નહીં લેતા હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો ,પ્રાથમિક શિક્ષણ નિયામક નો આદેશ છતાં મહુવા તાલુકામાં પરિસ્થિતિ જૈસે થે જ !

 

અનાવલ : મહુવા તાલુકામાં કેટલાક આચાર્યો અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો શાળા સમય દરમિયાન જ તાલુકા કચેરીમાં લટાર મારતા જોવા મળે છે તેમજ શિક્ષકોની ક્રેડિટ સોસાયટીમાં પણ ફરજ બજાવતા જોવા મળતા હોય ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશનો ઉલાળીયો થઈ રહ્યો છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મૂક પ્રેક્ષક ની ભૂમિકા ભજવી બાળકોના ભાવિ સાથે રમત રમી રહ્યા છે.
મહુવા તાલુકાના કેટલાક શિક્ષકો તાલુકાનું શિક્ષણ એક સેવા નહી પરંતુ બાપાની પેઢી ની જેમ વહીવટ ચલાવી રહ્યા છે.પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આચાર્યો ને સપ્તાહમાં ૧૮ પીરીયડ ફરજિયાત લેવાના આદેશ કર્યો છે છતાં આ આદેશ મહુવા તાલુકા સુધી નહીં પહોંચ્યો હોવાની પ્રતિતિ થઈ રહી છે.
અગાઉના વર્ષોમાં પણ આચાર્યો સપ્તાહના ફરજિયાત લેવાના પીરીયડ નહીં લેતા હોવાનો ઘટસ્ફોટ ગુજરાતમિત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.હાલ પણ કચેરીના કામ બહાને કેટલાક આચાર્યો તો પડ્યાપાથર્યા તાલુકામથકે જ કચેરીમાં જોવા મળે છે.શિક્ષક સંઘના કેટલાક હોદેદારો કમ શિક્ષકો જાણે શિક્ષકોની ક્રેડિટ સોસાયટીમાં જ ફરજ બજાવતા હોય બાળકોના ભાવિ પર કાળા ધબ્બા લગાવી ક્રેડિટ સોસાયટીમાં ગોઠવાઈ જ જાય છે.
ગુલ્લીબાજ શિક્ષકોને પાપે અનેક બાળકોના ભાવિ ને ગ્રહણ લાગી રહ્યું છે.કચેરીના વહીવટ કામ હોવાનું પોપટિયુ રટણનું ઠીકરું ફોડી બાળકોના અભ્યાસ સાથે રમત રમી રહ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ભેદી મૌન જ આવા ગુલ્લીબાજ શિક્ષકોને ખુલ્લું પ્રોત્સાહન અપાય રહ્યું છે.આ બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામક આકસ્મિક તપાસ કરે તો ઘણા ભોપાળાં બહાર આવે તેમ છે.

કચેરી અને ક્રેડિડ સોસાયટીના સીસીટીવી અને શિક્ષકોના મોબાઈલ લોકેશન પોલ ખોલશે

પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા આકસ્મિક તપાસ કરે અને સંઘના હોદેદારો , ક્રેડિટ સોસાયટીના હોદેદારો અને કેટલાક નામચીન આચાર્યોના મોબાઈલ લોકેશન અને તાલુકા પંચાયત કચેરીના અને ક્રેડિટ સોસાયટીના સીસીટીવી ચેક કરવામાં આવે તો તાલુકાના ગુલ્લીબાજ શિક્ષકોના અસલી ચહેરા બહાર આવશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!