ઉમરાના યુવક માટે કૌટુંબિક વિવાદ બન્યું હતાશાનું કારણ, યુવકનો જીવ બચાવી ઉમરા પોલીસ બની આશાનું કિરણ
ઉમરા પોલીસે સમયસૂચકતા અને ટેક્નોલોજીના ઉપયોગથી ૨૭ વર્ષીય યુવકને આત્મહત્યા કરતાં બચાવ્યોઃ
ઘરેલુ વિવાદ બાદ યુવક આત્મહત્યાના ઈરાદે ઘરેથી ONGC બ્રિજ પર ગયો: મોબાઈલ લોકેશનથી પોલીસે જિંદગી બચાવી
શહેરના ઉમરા વિસ્તારમાં પોલીસની સમયસૂચકતા અને જાગૃત્ત યુવાનોના કારણે યુવકને આત્મહત્યાના ખપ્પરમાં હોમાતા બચ્યો હતો. એક ૨૭ વર્ષીય યુવકે પારિવારિક વિવાદ બાદ ઘરમાંથી બહાર નીકળી જઈ પરિવારને ‘હવે આત્મહત્યા જ કરીશ’ એવું જણાવી સીધો ઉમરા બ્રિજ પહોંચ્યો હતો, પરંતુ સમયસૂચકતા વાપરી ઉમરા પોલીસે યુવકના મિત્રોની મદદથી મોબાઈલ લોકેશન ટ્રેસ કરી યુવકને ONGC બ્રિજ પાસેથી શોધી લઇ આત્મહત્યા કરતા બચાવી લીધો હતો.
વાત એમ છે કે, યુવાન બપોરે અંદાજે ૧ વાગ્યે જમવાના સમયે ઘરે હતો. આ યુવક છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે જમતો ન હતો. પિતાજી યુવકને ઘરમાં જમવા માટે સમજાવતા પરંતુ તે બહાર જમી લેતો. આ મુદ્દે ઘરમાં વિખવાદ થયો અને યુવકને માઠું લાગી આવતા માતા-પિતાને ‘મારે જીવવું નથી, આત્મહત્યા જ કરીશ’ એમ કહીને એક્ટિવા લઈને ઘરમાંથી નીકળી ગયો હતો.
પુત્રના અચાનક આવા વર્તાવથી ડઘાઈ ગયેલા પિતાએ તરત જ પુત્રના મિત્રોનો સંપર્ક કર્યો. મિત્રો ઉમરા પોલીસ સ્ટેશન પહોચ્યા અને સમગ્ર બનાવની જાણ કરતા, પોલીસ તંત્ર તરત જ એલર્ટ થયું. ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર ઈન્વેસ્ટિગેશન ઓફિસર અને સ્ટાફે ઉપરી અધિકારીઓને માહિતી આપીને યુવકના મોબાઈલનું લોકેશન ટ્રેસ કર્યું. ત્યારબાદ પોલીસે ONGC બ્રિજ પાસે યુવકને શોધી કાઢી સમજાવીને ઉમરા પોલીસ સ્ટેશન લાવ્યા.
પોલીસે યુવક સાથે સંવેદના સાથે વાતચીત કરી અને તેની માનસિક સ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો. પરિવારજનો સાથે મળીને યુવકના મનમાં ચાલતાં તણાવ અને અવિચારી વર્તન અંગે કાઉન્સેલિંગ કર્યું. પોલીસની સમજદારીયુક્ત દરમિયાનગીરીથી પિતા અને પુત્ર વચ્ચે મતભેદ દૂર થયા અને અંતે યુવકને સલામત રીતે પરિવારને સોંપવામાં આવતા યુવક માતાપિતા સાથે ઘરે ગયો. ઉમરા પોલીસના તત્કાલ પ્રતિસાદ, ટેક્નોલોજીનો ઝડપી ઉપયોગ અને યુવકના મિત્રોની જવાબદારીભર્યા સહકારથી દુર્ઘટના બનતા અટકી હતી.
આમ, ઉમરાના યુવક માટે કૌટુંબિક વિવાદ હતાશાનું કારણ ભલે બન્યું, પરંતુ ઉમરા પોલીસ યુવકનો જીવ બચાવી તેના માટે આશાનું કિરણ બની હતી.






