​ચૂંટણી પછી પણ મહુવા સુગરમાં કોઈ જ ફેરબદલ નહીં! જૂની જોડીના હાથમાં જ સોંપાયું સુકાન

SHARE:

મહુવા સુગર ફેક્ટરીમાં જૂની સત્તાનું પુનરાવર્તન: માનસિંહભાઈ પટેલ પ્રમુખ અને બળવંતભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા

મહુવા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થયા બાદ, નવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શનિવારે બપોરે ૩ વાગ્યે મહુવા સુગર ફેક્ટરીના બોર્ડ રૂમ ખાતે બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.
​ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઈ દેસાઈ તથા રોહિતભાઈ પટેલ પ્રદેશ ભાજપનું અધિકૃત મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા. પક્ષના મેન્ડેટ મુજબ, પ્રમુખ તરીકે ફરી એકવાર માનસિંહભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બળવંતભાઈ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી હતી. આ નામોની જાહેરાત થતાં જ મહુવા સુગરમાં જૂની સત્તાનું પુનરાવર્તન થયું છે.
​માનસિંહભાઈ પટેલ અને બળવંતભાઈ પટેલના અનુભવ અને ફેક્ટરી પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને સાથી તમામ ડિરેક્ટરોએ આ વરણીને સહર્ષ વધાવી લીધી હતી અને બંને હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
​મહુવા સુગર ફેક્ટરીમાં સફળ નેતૃત્વની ફરીથી વરણી થતાં જ સુગરના કર્મચારીઓ, ખેડૂત સભાસદો અને શુભચિંતકોમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી હતી. ઉપસ્થિત સહુએ નવા વરાયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનને શુભકામનાઓ પાઠવી ફેક્ટરી આગામી સમયમાં વધુ પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!