અનાવલમાં વૃદ્ધનો ગુમ થયેલ મોબાઈલ મેળવી સાયબર ઠગે ત્રણ બેંક ખાતામાંથી ૨.૨૭ લાખ સરકાવી લીધા: અનાવલ પોલીસ મથકે ફરિયાદ
અનાવલ:
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય ખેડૂત ભાણાભાઈ ભીખાભાઈ પટેલ સાથે સાયબર ઠગાઈનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ ૦૮ ઓગસ્ટ ૨૦૨૬થી ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વૃદ્ધનો મોબાઈલ ફોન ગુમ થઈ ગયો હતો, જે કોઈ અજાણ્યા શખ્સના હાથમાં આવી ગયો હતો. આ અજાણ્યા ઈસમે મોબાઈલ અને ટેકનોલોજીનો દુરુપયોગ કરીને વૃદ્ધની જાણ બહાર તેમના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી રૂ. ૨,૨૭,૫૦૦/- ની માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી. ઠગે બેંક ઓફ બરોડાની ગુણસવેલ શાખાના ખાતામાંથી રૂ. ૭૧,૫૦૦/-, બેંક ઓફ બરોડાની બારડોલી શાખામાંથી રૂ. ૯૮,૦૦૦/- તથા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂ. ૫૮,૦૦૦/- ની રકમ ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી. આ અંગે વૃદ્ધ ભાણાભાઈ પટેલે અનાવલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪) તથા આઈટી એક્ટની કલમ-૬૬(C), ૬૬(D) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ પોલીસ ઈન્સપેક્ટર કે.સી. પારગી ચલાવી રહ્યા છે.



