અંબિકાના વહેવલ જંગલમાં ઘોડાસ્થળે ૨૫ વર્ષથી યોજાય છે પિતૃ તર્પણ: ૨૫ ગામના ૨૨૫ લોકોએ સામૂહિક શ્રાદ્ધ વિધિ કરી
અંબિકા / અનાવલ:
અંબિકા તાલુકાના વહેવલ સ્થિત કોષખાડી કિનારે આવેલ સરકારી જંગલવાળા ઘોડાસ્થળ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમાસના પવિત્ર દિવસે શનિવારે પિતૃઓના તર્પણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આજુબાજુના ૨૫ ગામના ૨૨૫ જેટલા લોકોએ એકઠા થઈને ભૂદેવ આચાર્ય શંભુભાઈ શાસ્ત્રીના વડપણ હેઠળ પિતૃઓના મોક્ષાર્થે નજીવા ખર્ચે સામૂહિક શ્રાદ્ધ વિધિ કરી હતી.
વહેવલથી અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલી ધુમાસી ખાડીના પુલના નીચેના ભાગે આવેલી ખુલ્લી જગ્યા પર છેલ્લા ૨૫ વર્ષથી આ સામૂહિક શ્રાદ્ધ વિધિનું સફળ આયોજન કરવામાં આવે છે.આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવામાં છેલ્લા ૨૫ વર્ષથી સુચારુ આયોજન અને સંચાલન કરતા આ કાર્યના પાયાના કાર્યકર તથા સામાજિક અગ્રણી વિક્રમભાઈ પટેલ, વહેવલ ગામના સામાજિક આગેવાન નરોતમભાઈ પટેલ, ભુલાભાઈ પટેલ તેમજ મહુવા સુગર ફેક્ટરીના અનાવલ ઝોનના ડિરેક્ટર, અનાવલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અને ઢોડિયા પટેલ સમાજના આગેવાન વિપુલભાઈ પટેલ સહિત ગામના સામાજિક આગેવાનો અને યુવાનોનો બહોળો સહયોગ સાંપડ્યો હતો.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અમાસના દિવસે વહેવલ, ઉમરા, મહુવરિયા, વલવાડા, બુટવાડા, કુમકોતર, અનાવલ, કોષ, સિણઘઈ, ચાપલધરા અને ડોલવણ જેવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક પિતૃઓનું તર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
સામૂહિક શ્રાદ્ધ વિધિના ૨૫ વર્ષ: ‘૨૫’ ના વિશિષ્ટ સંયોગ વચ્ચે સ્વચ્છતા અભિયાન ચલાવાયું
”સામૂહિક શ્રાદ્ધ વિધિના ૨૫ વર્ષ સુચારુ રીતે પૂર્ણ થયા છે, જેમાં આ વર્ષે આસપાસના ૨૫ ગામના ૨૨૫ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. શ્રાદ્ધ કાર્ય પૂર્ણ થયા બાદ યુવાનોના સહયોગથી પૌરાણિક ઘોડાસ્થળની સફાઈ કરી ઇકો સિસ્ટમ જાળવવાનો પ્રયાસ કરાયો હતો. આ વર્ષે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી પણ સ્વચ્છતા સેવા સંકલ્પ અભિયાન સાથે કરવામાં આવી. આમ, અમારા આ શ્રાદ્ધકર્મમાં ‘૨૫’ નો અંક એક સુંદર અને વિશિષ્ટ સંયોગ બની રહ્યો છે.”
— વિક્રમભાઈ પટેલ
(માજી તાલુકા પંચાયત સદસ્ય, વહેવલ)



