સુરત જિલ્લાના અંબિકા તાલુકાના લસણપોર ગામના ૧૧૫ વર્ષના રૂખીબેનનું શતાયુ સન્માન કરાયું

SHARE:

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના લસણપોર ગામના ૧૧૫ વર્ષના રૂખીબેનનું શતાયુ સન્માન કરાયું

પાંચ પેઢીઓની સાક્ષી બનેલું પ્રેરણાદાયી જીવન

જમાનાની પરિશ્રમયુક્ત ખેતી, કુદરતી ખોરાક અને આજે પણ જળવાયેલી તંદુરસ્તીનું રહસ્ય

રૂખીબેનની જીવનગાથા: સખત મજુરી, લોહી-પાણી એક કરીને ખેતી કરતા હતાઃ

 

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના લસણપોર ગામના વતની એવા અંદાજે ૧૧૫ વર્ષથી વધુ વય ધરાવતા રૂખીબેન માજીભાઈ પટેલ આજે પણ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. પાંચ-પાંચ પેઢીઓ જોઈ ચૂકેલા રૂખીબેનનું જીવન માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બન્યું છે. રૂખીબેનનું જીવન અનેક ઐતિહાસિક પરિવર્તનોનું સાક્ષી રહ્યું છે. દેશ જ્યારે અંગ્રેજ શાસન હેઠળ હતો ત્યારથી લઈને આઝાદ ભારતની આજની આધુનિક દુનિયા સુધીની લાંબી સફર તેમણે પોતાની આંખે જોઈ છે. તેમના જીવનકાળમાં દેશે ગુલામી, સ્વાતંત્ર્ય ચળવળ, આઝાદી અને ત્યારબાદના વિકાસનાં અનેક તબક્કાઓ જોયા છે.
રૂખીબેને દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો હતો. ઇતિહાસના પાનાઓમાં નામ ન નોંધાયું હોવા છતાં દેશની આઝાદીની લડતમાં ભાગ લેનારા આવા અનેક સામાન્ય લોકોનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. મહુવા-અંબિકા તાલુકા વિસ્તારમાં પણ સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડાયેલા અનેક લોકો રહ્યા હોવાનું વડીલો પાસેથી જાણવા મળે છે. આવા અનામી અને અજાણ્યા સ્વાતંત્ર્યસેનાનીઓના જીવન આજની પેઢીની જાણે એ જરૂરી છે.
રૂખીબેન પોતાના જમનાના દિવસોને યાદ કરતા કહે છે કે, તે સમયે ખેતીમાં સખત મહેનત કરતા હતા. અમારા જમાનામાં ટ્રેક્ટર કે થ્રેસર જેવા કોઈ સાધનો નહોતા. બળદ જોડવાના, બળદ પાછળ આખો દિવસ પગપાળા ચાલીને હળ ચલાવવાનું અને જમીન ખેડવાની. સૂરજ ઊગે ત્યારથી આથમવા સુધી સીમમાં સતત પગ સળગતા હોય છતાં કામ પૂરું કરવું પડતું. વરસાદ આધારિત જ ખેતી હતી. પાક પાકે એટલે હાથથી લણણી કરવાની અને હાથથી જ અનાજ છૂટું પાડવાનું. પવન આવે ત્યારે અનાજ ઉપાડીને કચરો દૂર કરવાનો. દરેક કામ માટે લોહી-પાણી એક કરવા પડતા. વાડીએ પગપાળા જતા, પશુઓની દેખભાળ, ખાવા-પીવાનું શુધ્ધ અને વાડીનું તાજુ શાકભાજીના કારણે પણ આજે તંદુરસ્તી જળવાય રહી હોવાનું તેઓ કહે છે.
દિશા ધોડિયા સમાજ સંગઠન વસરાઈ દ્વારા સમાજના વડીલો પ્રત્યે આદર અને સન્માનની ભાવના વ્યક્ત કરવા માટે રૂખીબેન માજીભાઈ પટેલનું વિશેષ શતાયુ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રૂખીબેનના પરિવારજનો, સગાસંબંધીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ પેઢીઓ સાથે જીવતા રૂખીબેનનું સન્માન કરવું એ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ સમગ્ર વડીલ પેઢીના અનુભવ, સંસ્કાર અને જીવનમૂલ્યોનું સન્માન છે.વડીલો સમાજની જીવંત ધરોહર આજે ઝડપી બદલાતી જીવનશૈલીમાં નવી પેઢી પોતાના વડીલો સાથેનો સમય ગુમાવી રહી છે. આવા સમયે ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને મળવું, તેમનું સન્માન કરવું અને તેમના જીવનના અનુભવો સાંભળવા એ ખૂબ જ જરૂરી છે. ફૂલવાડી અને ડોલવણ ઉમરા ગામમાં પણ ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા વડીલો આજે હયાત છે. આવા વડીલો પાસે સમાજના ભૂતકાળ, પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીનો અમૂલ્ય અનુભવ સચવાયેલો છે. તેમની પાસેથી મળતી વાતો કોઈ પુસ્તકમાં સહેલાઈથી મળી શકે તેમ નથી.
દિશા ધોડિયા સમાજ સંગઠન દ્વારા શતાયુ વડીલોને તેમના ઘરે જઈને સન્માન કરવાની જે પરંપરાની શરૂઆત કરવામાં આવી છે, તે સમાજ માટે એક અનોખી અને અનુસરવા જેવી પહેલ બની શકે છે. સન્માન સાથે સંસ્કારની જાળવણી સંગઠનનો મુખ્ય ઉદ્દેશ માત્ર સન્માન કરવાનો નથી, પરંતુ વડીલો અને નવી પેઢી વચ્ચે સંવાદનો સેતુ ઊભો કરવાનો પણ છે. વડીલોનું જીવન નવી પેઢીને સંઘર્ષ, સંયમ, સાદગી, સંસ્કાર અને સહનશીલતાનો પાઠ ભણાવે છે.
રૂખીબેન માજીભાઈ પટેલનું ૧૧૫ વર્ષની વયે પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવું પોતાનામાં જ એક અનોખી સિદ્ધિ છે. તેમની જીવનયાત્રા પરિવાર અને સમાજ માટે ગૌરવની વાત છે.“વડીલો ઘરમાં હોય ત્યારે ઘર માત્ર મકાન નથી રહેતું, તેમના અનુભવથી એ ઘર સંસ્કારનું વિદ્યાલય બની જાય છે.”
સમાજ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલી આ શતાયુ સન્માનની પરંપરા આગળ પણ શરૂ રાખવામાં આવશે અને સમાજના ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને શોધી તેમનું સન્માન કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પહેલથી વડીલો પ્રત્યે સન્માનની ભાવના મજબૂત બનશે અને નવી પેઢીને પોતાના સમાજની ધરોહર તથા ઇતિહાસ સાથે જોડાવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!