દહેજ પ્રથા એક દુષણ
દહેજ પ્રતિબંધક અધિનિયમ અંતર્ગત દહેજની માંગણીરૂપે કોઈ પણ માલમિલકત કે ચીજવસ્તુઓની લેતી-દેતી કરવીએ ગુનો છે, કાયદા હેઠળ ૬ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર હેઠળ સમગ્ર રાજ્યમાં ‘દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧’ ના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. કાયદાની જોગવાઈ અનુસાર, લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે ત્યારબાદ લગ્નની શરત તરીકે કન્યા પક્ષ કે વર પક્ષ દ્વારા દહેજ સ્વરૂપે રોકડ, ચીજવસ્તુઓ, કિંમતી દાગીના કે મિલકતની લેતી-દેતી કરવી અથવા તેમાં સામેલ થવું એ ગંભીર ગુનો છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછી ૬ માસથી લઈને ૫ વર્ષ સુધીની જેલની સજા અને રૂ.૧૫,૦૦૦ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં, ‘દહેજ અટકાયત (નવવધુ અને વરરાજાને મળેલ ભેટ-સોગાદોની યાદી રાખવા બાબત) નિયમો-૧૯૮૫’ મુજબ, લગ્ન પ્રસંગે વર-કન્યાને મળેલ તમામ ભેટ-સોગાદોની એક યાદી તેની અંદાજિત કિંમત સાથે તૈયાર કરવી ફરજિયાત છે. આ યાદી પર વર-કન્યા તેમજ બંને પક્ષના માતા-પિતાની સહી હોવી આવશ્યક છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લાના તમામ લગ્ન પક્ષકારોને આ કાયદાકીય જોગવાઈઓની નોંધ લેવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા સુરત જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.





