કવચ કેન્દ્ર દ્વારા રાજ્યસ્તરીય “રીલ્સ / શોર્ટ્સ મેકિંગ કોમ્પિટિશન”: વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા જાગૃતિનું શાનદાર પ્લેટફોર્મ
શ્રેણી મુજબ વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો : તા. ૧૯ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી યોજાશે સ્પર્ધા
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત કવચ કેન્દ્ર (Cybersecurity Awareness and Creative Handholding – CAWACH Kendra) દ્વારા રાજ્યભરની કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાજ્યસ્તરીય “રીલ્સ / શોર્ટ્સ મેકિંગ કોમ્પિટિશન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૯ જાન્યુઆરીથી તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી આયોજિત આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, ડિજિટલ સ્વચ્છતા, ઑનલાઈન ફ્રોડથી બચાવ, સોશિયલ મીડિયા પર જવાબદારી અને ડિજિટલ સુખાકારી અંગે જાગૃતિ ફેલાવવાની અનોખી તક મળશે. સોશિયલ મીડિયાના લોકપ્રિય માધ્યમો પર ટૂંકી, આકર્ષક અને સર્જનાત્મક રીલ્સ બનાવીને વિદ્યાર્થીઓ સમગ્ર સમાજ સુધી સાયબર સુરક્ષાનો મજબૂત સંદેશ પહોંચાડી શકશે.
કોણ ભાગ લઈ શકે
આ સ્પર્ધામાં રાજ્યની તમામ સરકારી ઇજનેરી કોલેજો, બિન-અનુદાનિત કોલેજો, સ્ટેટ યુનિવર્સિટીઓ, ગ્રામવિદ્યાપીઠો તેમજ તમામ ખાનગી કોલેજો/યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
સ્પર્ધાની મુખ્ય થીમ્સ
Cyber Safety & Digital Hygiene, Online Frauds & Scam Awareness, Social Media Responsibility, Cyber Safety for Women & Children તથા Digital Well-being જેવી થીમ્સ પર રીલ બનાવવાની રહેશે.
ઇનામ વિગતો
સ્પર્ધામાં શ્રેણી મુજબ વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામ આપવામાં આવશે, જેમાં:
• સર્વશ્રેષ્ઠ શ્રેણી (દરેક થીમ મુજબ): પ્રથમ ૫ વિજેતાઓને રૂ. ૧૫,૦૦૦ પ્રતિ વિજેતા
• ઉત્કૃષ્ટ શ્રેણી (દરેક થીમ મુજબ): આગામી ૫ વિજેતાઓને રૂ. ૧૦,૦૦૦ પ્રતિ વિજેતા
• ઉત્તમ શ્રેણી (દરેક થીમ મુજબ): આગામી ૫ વિજેતાઓને રૂ. ૭,૦૦૦ પ્રતિ વિજેતા
• Encouragement Category: ટોપ ૫૦ પસંદગી પામેલ રીલ્સને રૂ. ૧,૦૦૦ પ્રતિ વિજેતા
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈ-Participation Certificate આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન વિગતો
ભાગ લેનારોએ https://cawach.gujgov.edu.in/ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પોતાની રીલ સબમિટ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન અથવા ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો ઈ-મેઈલ: cawach-edu@gujgov.edu.in, મોબાઈલ નં.: ૯૮૭૦૦૫૩૮૨૫ પર સંપર્ક કરી શકાય છે.
કવચ કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, કવચ કેન્દ્ર (Cybersecurity Awareness and Creative Handholding – CAWACH Kendra), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો મુખ્ય હેતુ રાજ્યની તમામ ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ જેમ કે સરકારી ઇજનેરી કોલેજો, બિન-અનુદાનિત કોલેજો, સ્ટેટ યુનિવર્સિટીઓ તથા ગ્રામવિદ્યાપીઠોમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સાયબર સ્વચ્છતા, સાયબર ક્રાઈમ નિવારણ અને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન તથા જાગૃતિ પૂરું પાડવાનો છે.




