‘પોંક’નગરી સુરત વિશેષ: ૪ પેઢીઓથી સુરતીઓને પોંક પીરસતો સુરતનો ભંડારી પરિવાર
છેલ્લા ૭૨ વર્ષોથી પેઢી દર પેઢીએ આગળ ધપાવ્યો પોંકનો પારિવારિક વ્યવસાય
રૂ.૪ પ્રતિ કિલોના ભાવે પોંક વડાના વેચાણની શરૂઆત કરી હતી
“સુરતની બદલાતી ભૌગોલિક પરિસ્થિતિથી બદલાયો પોંકનો સ્વાદ અને રૂપ”: રમેશભાઈ ભંડારી
સુરતનું જમણ અને કાશીનું મરણ..કહેવતથી સુપ્રસિદ્ધ સુરત અવનવી વાનગીઓ માટે જગભરમાં જાણીતું છે. વિવિધ તહેવારો, પ્રસંગો અને પરંપરા સાથે જોડાયેલી વાનગીઓએ સુરતને વિશ્વભરમાં અલગ ઓળખ અપાવી છે, ત્યારે ઠંડીની ઋતુમાં સુરતવાસીઓ સ્વાદિષ્ટ પોંક અને તેના પકવાનની મજા માણે છે. રસપ્રદ વાત એ છે કે, ખાણી-પીણી માટે પ્રખ્યાત સુરતને ‘પોંકનગરી’ની પણ ઉપમા મળી છે.
આજે વાત કરીએ સુરતના ભંડારી પરિવારની, જેઓ છેલ્લી ૪ પેઢીથી સુરતવાસીઓને સ્વાદિષ્ટ પોંક પીરસી રહ્યા છે. માત્ર ૧૦ વર્ષની નાની વયે અન્ય ખેડૂતો સાથે પોંકની ભઠ્ઠી ચાલવતા નાના મંગાભાઈ ભંડારી પાસેથી પ્રેરણા લઇ વર્ષ ૧૯૭૩માં રાંદેરમાં ચાલતી પોંકનગરીમાં રમેશભાઈ ભંડારીએ પોંક વેચાણની શરૂઆત કરી.
શરૂઆતના વર્ષોને યાદ કરતાં રમેશભાઈ જણાવે છે કે, ૧૦-૧૧ વર્ષની ઉંમરે શિયાળામાં રોજ સાંજે હું મારા નાનાની ભઠ્ઠીએ જતો હતો. જ્યાં તેઓ અન્ય બે ખેડૂતો સાથે મળી આ મોસમી વ્યવસાય ચલાવતાં. ભઠ્ઠીમાંથી નીકળતાં તાજા સ્વાદિષ્ટ પોંકની લિજ્જત માણતાં શોખીનોની સંખ્યામાં વર્ષ દર વર્ષ વધારો થતો જોઈ મને વિચાર આવેલો કે એક દિવસ હું પણ પોંક વેચાણની શરૂઆત કરીશ.
એ વિચારને વાસ્તવિકતાનું સ્વરૂપ આપતાં આશરે ૭૨ વર્ષ પહેલાં નાનાએ શરુ કરેલા વ્યવસાયમાં મેં વર્ષ ૧૯૭૩થી પ્રથમ પગલું માંડ્યું. તે સમયે સુરતની અસલ પોંકનગરીમાં રૂ.૪ પ્રતિ કિલોના ભાવે પોંક વડાના વેચાણથી શરૂઆત કરીને આજે રૂ.૩૬૦ પ્ર.કિલોનાં ભાવે પોંકવડાનું વેચાણ કરીએ છીએ. પહેલા પોંક-સેવ અને પોંકવડાનું વેચાણ કરતાં હતા. ધીરે ધીરે પોંક પેટીસ અને અલગ અલગ જાતની સેવનું પણ ચલણ વધ્યું.
વધુમાં તેમણે કહ્યું કે, પહેલા નવેમ્બરથી ડિસેમ્બર ચાલતો આ વ્યવસાય હવે ડિસેમ્બરથી ઉત્તરાયણ સુધી ચાલે છે. તેમજ પહેલા અને હાલ ઉગતા પોંકના સ્વાદમાં પણ બદલાવ આવ્યો છે. ખાસ રાંદેર વિસ્તારમાં પ્રચલિત પોંક માટે અહીં અનુકુળ વાતાવરણ હતું. રાંદેરમાં વધુ પ્રમાણમાં જોવા મળતા બોરડીના ઝાડને કારણે શિયાળાની ઋતુમાં પોંકના પાકને પુષ્કળ પ્રમાણમાં ઝાકળ(ભેજ) મળતું હોવાથી તેનો દાણો ખૂબ નરમ અને મીઠો થતો હતો. બદલાતી ઋતુ અને ભૌગોલિક પરિસ્થતિને કારણે હવે પોંકની મીઠાશ અને નરમાશ બંનેમાં ફરક જોવા મળે છે. પરંતુ દાયકાઓથી ચાલતી પોંક ખાવાની પરંપરામાં ખાસ કોઈ ફેર નથી પડ્યો. પોંક માટે સુરતીઓનો પ્રેમ અને આવકાર હજી પણ પહેલાના જેવો જ ઉત્સાહથી ભરેલો જ છે.
૭૨ વર્ષ જુના પારંપરિક વ્યવસાયને રમેશભાઈ બાદ છેલ્લા ૨૦ વર્ષથી તેમનાં દીકરા દીપકભાઈ ભંડારી સંભાળે છે. અને હવે તેમના દીકરા-દીકરીની ચોથી પેઢી પણ આ સિઝનલ વ્યવસાયમાં રસ દાખવી તેને વધુ આગળ ધપાવી પોતાના પરિવારની સુરતની પરંપરાને અકબંધ રાખી રહ્યા છે.

‘પોંકનગરી’ સુરતનો ઈતિહાસ
હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરતની અન્ય વૈશ્વિક ઓળખ ‘પોંકનગરી’ તરીકેની છે. અંદાજિત દસ દાયકા જૂની પોંક ખાવાની પરંપરા મૂળ સુરતના રાંદેરથી જ શરુ થઇ હોવાથી અહીં વર્ષો પહેલા શીતલ ટોકીસ પાસે ‘શીતલ પોંકનગરી’ની શરૂઆત થઇ હતી. જેમાં ખેતરમાં જ પોંક ખાવા માટે નીચે બેસવાની જગ્યા, હીંચકો અને બાગ પણ બનાવવામાં આવ્યો હતો. ધીરે ધીરે પોંક નગરીને એક પિકનિક સ્થળ તરીકે વિકસાવાયું. જ્યાં રજાના દિવસોમાં લોકો મનોરંજનની સાથે પોંકની લિજ્જત માણતાં હતાં.



