ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૧૧ જાન્યુઆરી સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક
રમણીય પ્રવાસન સ્થળ તરીકે સુવાલીના દરિયાકિનારાનો સ્ટેટ ઓફ ધ આર્ટ વિકાસ કરવા રાજ્ય સરકાર તત્પર
સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, લોકડાયરાની રમઝટ અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણવાની તક
પ્રથમ દિવસે પ્રખ્યાત લોકગાયક પિતા-પુત્ર ઓસમાણ મીર અને આમીર મીરે ગીતસંગીતની રમઝટ બોલાવી: મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા
સોમનાથ સ્વાભિમાન પર્વના અવસરને વધાવવા ઓસમાણ મીરે શિવ તાંડવ સહિત શિવવંદનાની ભાવવાહી પ્રસ્તુતિ કરી
દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. સુવાલીના દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે સ્ટેટ ઓફ ધ આર્ટ વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.
ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વધતી વસ્તીને ધ્યાને લઈ પ્રવાસન સુવિધાઓ વધે એ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુંવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા સરકાર તત્પર છે. જેનાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુંવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસકામોની વિગતો આપતા કહ્યું કે, ૨૦૨૩ના વર્ષમાં રૂા.છ કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને ૧૦ મીટર પહોળો કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૨.૨૦ કરોડના ખર્ચે વિશ્રામગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. રૂા.૪૦ લાખના ખર્ચે ૧૦૦ ફુટની ઉચાઈ ધરાવતો હાઈમાસ્ટ ટાવર બન્યો છે, જે ૪૦૦ વોટની ૧૬ હેલોજનની ક્ષમતા ધરાવે છે. સુંવાલી બીચ થી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી એ.એમ.એન.એસ. ઈન્ડિયાના સી.એસ.આર.ફંડ અંતર્ગત ૩૫૦ સોલાર લાઈટો તેમજ સુરક્ષા માટે રૂા.૩૦ લાખના ખર્ચે સુંવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ધારાસભ્યશ્રીએ કહ્યું કે, વનવિભાગ દ્વારા રૂા.ચાર લાખના ખર્ચે વન કુટિર તથા ગ્રામ પંચાયત દ્વારા દરિયાકાંઠે ચઢવા- ઉતરવા માટે રૂા.૧૫ લાખના ખર્ચે ત્રણ રેમ્પ બનાવાયા છે. જ્યારે જિ. પંચાયતના સહયોગથી રૂા.૨૭ લાખના ખર્ચે શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને ડેવલપ કરનાર આર્કીટેક્ટ ફર્મ દ્વારા સુવાલી બીચના ડેવલપમેન્ટ માટેનો સર્વે પણ કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી સમયમાં તબક્કાવાર સુવાલી બીચને આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે.
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલ્સની મુલાકાત અંતર્ગત માહિતી ખાતાના પ્રસાર પ્રચાર સાહિત્ય વિતરણ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, હજીરા વિસ્તારની વિવિધ કંપનીઓના અધિકારીઓ સર્વશ્રી સંજય દેસાઈ, હેમંત દેસાઈ, સંતોષ મૂંદડા, ભાવેશ ડોંડા, મનપા, જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
પ્રખ્યાત લોકગાયક પિતા-પુત્ર ઓસમાણ મીર અને આમીર મીરે ગીતસંગીતની રમઝટ બોલાવી
બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયક પિતા-પુત્ર ઓસમાણ મીર અને આમીર મીરે સમારોહમાં ગીતસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરકયા હતા. પિતા-પુત્રની જોડીએ સુમધુર સ્વરે વિવિધ લોકગીતો, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસતરબોળ કર્યા હતા. ખાસ કરીને, સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે આ અવસરને વધાવવા ઓસમાણ મીરે શિવ તાંડવ, નગર મે જોગી આયા, શિવને ભજો દિન ને રાત જેવી શિવવંદનાની ભાવવાહી અને અદ્દભૂત પ્રસ્તુતિ કરી હતી.
સુવાલી બીચ ફેસ્ટીવલમાં ખાણી પીણી, એડવેન્ચર અને દરિયાકિનારાનો આહલાદક આનંદ
સુવાલી બીચ ફેસ્ટીવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃતિઓમાં બીચ વોલિબોલ, દોરડા ખેંચ, કાઈટ્સ, ઊંટસવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃતિઓ- માટી કળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે.
સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો અવસર સુરતીઓને પ્રાપ્ત થયો છે.





