‘વસરાઈ દિશા ફાઉન્ડેશન’: ક્રિકેટના મેદાનથી સમાજ સેવા તરફ એક સર્જનાત્મક સફર
‘દિશા’ એ સમાજને ચીંધી શિક્ષણ, સ્પોર્ટ્સ અને સમાજસેવાની સાચી ‘દિશા’
વર્તમાન વર્ષથી ખાલી પ્લોટોમાં એક લાખ છોડ રોપવાનો સંકલ્પ
વસરાઈ ખાતે ૨૫ થી ૨૮ ડિસેમ્બર ૨૫ રાષ્ટ્રીય આદિવાસી ટ્રાઈબલ ફેર માં દિશા ફાઉન્ડેશન નું મહત્વનું યોગદાન
સુરત:-દક્ષિણ ગુજરાતના મહુવા, વાલોડ, ડોલવણ, વ્યારા, વાંસદા, ચીખલી, નવસારી અને બારડોલી જેવા શહેરો પાસે એક એવી સંસ્થા પાંગરી છે, જેણે ક્રિકેટના મેદાનથી સમાજ સેવા તરફ એક સર્જનાત્મક સફર પૂર્ણ કરી યુવાનો, મહિલાઓ, આદિજાતિ નાગરિકોના જીવનમાં ઉજાસ પાથરવાનું કાર્ય કર્યું છે. આ સેવાની જ્યોત મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પાસે આવેલા અંબિકા તાલુકાના વસરાઈ ગામથી હજુ પણ ઝળહળી રહી છે. આ સંસ્થા એટલે ‘દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વસરાઈ’ જે ૧૦ વીઘા જમીન પર રૂ.૩૦ કરોડથી વધુના વિવિધ રચનાત્મક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. જેમાં ઓફિસ, સાંસ્કૃતિક ભવન, પુસ્તકાલય, સભાગૃહ, અત્યાધુનિક તાલીમ હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટ્રાઈબલ મ્યુઝિયમ, સંશોધન કેન્દ્ર અને ગૌશાળા જેવી રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ધ્યેયમંત્ર સાથે આ સંસ્થા સમાજ સેવા, શિક્ષણ અને સંસ્કાર માટે બહુ-આયામી રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે. સુરત જિલ્લાનો મહુવા તાલુકો ક્રિકેટ અને ક્રિકેટપ્રેમીઓનું કેન્દ્ર રહ્યું છે. હવે વસરાઈ ગ્રાઉન્ડમાં સિઝન ક્રિકેટની નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવે છે. આજે ૩૫ જેટલા અંડર-૧૯ ખેલાડીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે, જેની સમીક્ષા ભારતીય કપ્તાન વિરાટ કોહલીના કોચ શ્રી રાજ શર્મા (દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા) દ્વારા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, બદલાતા સમય સાથે તાલ મિલાવીને આ સંસ્થાએ યુવાનોના ભવિષ્યને ઘડવાનું બીડું ઉઠાવ્યું છે. દર રવિવારે યુપીએસસીના વર્ગો અને દર શનિવારે જીપીએસસી, જીએસઆરટીસી, બેંકિંગ અને ટેટ/ટાટ જેવી પરીક્ષાઓના વર્ગો નિષ્ણાતો દ્વારા બિલકુલ નિ:શુલ્ક મફત ચલાવવામાં આવી રહ્યા છે.
GPSC ના વર્ગોમાં ૩૪૫, GSRTCના ૫૫, બેન્કિંગના ૬૦ અને ટેટ/ટાટ ના ૧૪૦ વિદ્યાર્થીઓ દર શનિવારે કોચિંગ મેળવે છે. વર્ષ ૨૦૧૭ માં પોલીસ/પીએસઆઇ ફિઝિકલ ટ્રેનિંગમાં ૧૨૦ માંથી ૬૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. રાહત દરે નોટબુક વિતરણ અને વિદ્યાર્થી દત્તક યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
‘દિશા’એ જીવન મૂલ્યો, સંસ્કાર, શિક્ષણ, રમતગમત, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતાના પાઠ ભણાવતી આ સંસ્થાએ સ્થાપનાના ખૂબ ઓછા સમયમાં સમાજને પ્રગતિને દિશા ચીંધી છે. મેડિકલ કેમ્પ, નેત્રદાન યજ્ઞ, બ્લડ કેમ્પ, અને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન, સંસ્કૃતિ પ્રચાર સંકલન, રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમો (૨૦૧૯ અને ૨૦૨૩ યજમાની), આંતર-રાજ્ય સેમિનાર, અને ટ્રાઈબલ ફૂડનો પ્રચાર કરે છે.
સ્પોર્ટ્સને પ્રગતિનું પગથિયું બનાવનાર આ સંસ્થાએ ધોડિયા સમાજ ટુર્નામેન્ટ, આંતર-સમાજ ટુર્નામેન્ટ, શિક્ષક સંગઠન ટુર્નામેન્ટ, જાયન્ટ્સ ગ્રુપ ટુર્નામેન્ટ, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, ઓલ ગુજરાત ઓપન વોલિબોલ ટુર્નામેન્ટ, ઓલ ગુજરાત કબડ્ડી ટુર્નામેન્ટ, BCCI સાથે જોડાયેલા સિઝન ક્રિકેટ કોચિંગ ક્લાસ, મેરેથોન દોડ, વિસરાઈ ગયેલી પ્રાચીન પરંપરાગત રમતો જેવી રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને અંદમાન-નિકોબાર સહિત ૧૫ રાજ્યોની ટીમો વસરાઇ પ્રોજેક્ટની મુલાકાત લઈ ચૂકી છે. દિશા ગ્રીન મિશનના ભાગરૂપે વર્તમાન વર્ષથી ખાલી પ્લોટોમાં એક લાખ છોડ રોપવાનો સંકલ્પ લેવાયો છે.
તા.૨૫ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ટ્રાઈબલ ફેર યોજાશે. જેના આયોજનમાં પણ દિશા ફાઉન્ડેશનની ભૂમિકા મહત્વની છે.
આપણે સમાજ માટે શું કરી શકીએ?” ના સંકલ્પસૂત્ર સાથે સેવા
આ સંગઠનના સભ્યો ‘સમાજ આપણા માટે શું કરે છે?’ એવો નહીં પણ “આપણે સમાજ માટે શું કરી શકીએ?” ના સંકલ્પસૂત્રને વળગી ‘ટીમવર્ક’ સાથે કામ કરી રહી છે. સ્થાપકોએ સ્વયં પહેલ કરતા રૂ.૮૦ લાખથી વધુનું આર્થિક યોગદાન આપ્યું છે (જેમાં ડૉ. નિતિન પટેલે રૂ.૨૨ લાખ, શ્રી તુષારભાઈ પટેલે રૂ.૧૧ લાખ અને શ્રી રણજીતભાઈ જોશીયાએ રૂ.૧૧ લાખનું યોગદાન આપ્યું છે). ટીમના તમામ સભ્યો મીટિંગ દરમિયાન ચા, ભોજન, અને ક્યાંય પણ આવવા-જવાનો ખર્ચ પોતે જ ભોગવે છે, તા.૨૨/૦૫/૨૦૨૨ ના રોજ જમીનના લોકાર્પણના દિવસે રૂ.એક કરોડથી વધુની રકમની ઘોષણા કરવામાં આવી હતી. આ ફંડ ક્યારેય માંગવામાં આવ્યું નથી, પરંતુ સ્વયં સામેથી દાન તરીકે મળ્યું છે, જે આદિવાસી વિસ્તાર માટે એક અભૂતપૂર્વ ઘટના હતી.
યુવાનોની ટીમ સમાજ પરિવર્તન માટે સજ્જ
સ્થાપકોની ટીમ: મુકેશભાઈ, કમલેશભાઈ, શરદભાઈ, અજયભાઈ, પ્રકુલભાઈ, ભૂપેન્દ્રભાઈ, નીલેશભાઈ, મનોજભાઈ, તુષારભાઈ, સંજયભાઈ, ધર્મેશભાઈ, સતીશભાઈ, નિતિનભાઈ, વીરેન્દ્રભાઈ, અનિલભાઈ, જિમીલભાઈ, યોગેશભાઈ, અને દિલીપભાઈ જેવા યુવાનોની આ ટીમે રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ, જેમ કે સાંસ્કૃતિક ભવન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઈબ્રેરી, ટ્રાઈબલ મ્યુઝિયમ, ટ્રેનિંગ સેન્ટર વગેરે માટે કમર કસી છે.




