સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે ઓલપાડ વિધાનસભાની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાને લજામણી ચોક ખાતેથી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ
લજામણી ચોકથી હરિધામ સોસાયટી ક્રોસ રોડ સુધી ૦૫ કિલોમીટરની એકતા પદયાત્રા યોજાઈ.
એકતા, અખંડિતતાના પ્રતિક એવા લોહપુરુષે ૫૬૨ રજવાડાઓને એક સૂત્રમાં બાંધી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું: ધારાસભ્ય મુકેશભાઈ પટેલ
દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઓલપાડ વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના મોટા વરાછાના લજામણી ચોકથી સુદામા ચોક થઈ હરિધામ ક્રોસ રોડ સુધીની ૦૫ કિલોમીટરની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. મોટા વરાછાના AIR મોલ ખાતે એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ નામ કાને પડતાં જ રક્તમાં નવું જોમ જાગે, હૈયામાં હિમ્મત ઊઠી બેસે અને રાષ્ટ્રભક્તિનો દીવો તેજસ્વી બની પ્રકાશે. એકતા, અખંડિતતા અને અડગ સંકલ્પનું જીવંત પ્રતિક એવા લોહપુરુષે ૫૬૨ રજવાડાઓને એક જ સૂત્રમાં બાંધી આપણી રાષ્ટ્રરચના મજબૂત બનાવી છે. આજે ભારત એક રાષ્ટ્ર તરીકે ઊભેલું છે તો એનો અડગ પાયો સરદારે મુકેલો છે.
વધુમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, જો સરદાર ન હોત, તો કાશ્મીર, હૈદરાબાદ કે જૂનાગઢ જવા માટે પણ વિઝા લેવાનો વારો આવ્યો હોત. આ કલ્પનામાત્રથી જ સમજી શકાય કે રાષ્ટ્રને એક રાખવામાં તેમની ભૂમિકા કેટલી વિશાળ હતી. સરદાર માત્ર લોહપુરુષ જ નહોતા, તેઓ ખેડૂતોના સાચા નેતા હતા. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતાનગર-કેવડિયા કોલોની ખાતે ૧૮૨ મીટર સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે. બારડોલીની ધરતી પર થયેલા ઐતિહાસિક સત્યાગ્રહ દરમિયાન ભીખીબેન જેઓએ પ્રેમ અને આદરથી તેમને સરદારનું નામ આપ્યુંએ નામ આજે પણ અખંડ ભારતની ધડકન છે. સરદારની એકતા, અડગતા અને રાષ્ટ્રનિર્માણની ગાથા નવી પેઢીને પ્રેરણા આપે છે એમ તેમણે ઉમેર્યું હતું.
મેયર શ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સરદારની દૃઢ ઈચ્છાશક્તિ અને અખૂટ પરિશ્રમના કારણે ભારત એક અખંડ અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે. રાષ્ટ્રીય એકતાની આ પાયાની ઈમારત આજે પણ દરેક
ભારતવાસીની અંદર પ્રેરણાનું શાશ્વત દીપક પ્રજ્વલિત રાખે છે. આપણું કર્તવ્ય છે કે સરદાર સાહેબના યોગદાનને માત્ર યાદ ન કરીએ, પરંતુ તેમના આદર્શો, એકતા, જવાબદારી, પ્રામાણિકતા અને રાષ્ટ્રપ્રેમ જનજન સુધી પહોંચાડવા હાજર સૌને અનુરોધ કર્યો હતો.
પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, કોર્પોરેટર સર્વશ્રી, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, OBC મોરચાના પ્રમુખ સનમભાઈ પટેલ, અગ્રણી દિનેશભાઈ નાવડિયા, અલ્પેશ કથિરીયા, NNC કેડેટ્સ, ફૌઝી ગ્રુપના બાળકો, વિવિધ સંગઠનો, પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



