ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં વલવાડા ખાતે તાલુકા કક્ષા કલા મહાકુંભ ધામધૂમથી યોજાયો

SHARE:

અંબિકા તાલુકા કક્ષા કલા મહાકુંભ – 2026 ધામધૂમથી સંપન્ન: 16 સ્પર્ધાઓમાં પ્રતિભાશાળી કલાકારોએ કૌશલ્ય દાખવ્યું

​વલવાડા:

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત તથા શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય, વલવાડાના સંયુક્ત ઉપક્રમે ‘અંબિકા તાલુકા કક્ષા કલા મહાકુંભ – 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઈ ડી. ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ યજમાન શાળાના આચાર્ય અને કન્વીનર નિલેશભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક પરિચય આપી આવકાર્યા હતા. શાળા પરિવાર દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

​પ્રસંગોચિત ઉદ્બોધનમાં કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ તમામ બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર વિજેતા કલાકારો માટે રોકડ પુરસ્કારની વિશેષ જાહેરાત કરી હતી. કેળવણી મંડળના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલે પણ કલાકારોને સુંદર પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

​આ કલા મહાકુંભ અંતર્ગત કુલ 16 જેટલી વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ ક્રમાંકના વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ક્રમ મેળવનાર કલાકારોને મહેમાનોના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

​સમગ્ર અહેવાલની આભાર વિધિ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી શૈલેષભાઈ પટેલે કરી હતી, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મદદનીશ શિક્ષક અશોકભાઈ ચૌધરીએ કર્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ સરાહનીય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના નિર્ણાયકો, શિક્ષકો, કલાકારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!