ઉમરા ખાતે અંબિકા નદી કિનારે અનંત ચૌદશે ગણેશ વિસર્જન પ્રસંગે પરમ પૂજ્ય મહેશ બાપુ દ્વારા નિઃશુલ્ક પ્રસાદ વિતરણ કરાયું: ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ હાજરી આપી કાર્યને બિરદાવ્યું
નવસારી / ગણદેવી:
”પરમ જ્યોત સનાતન – માનવ ધર્મ” ના શુભ સંદેશ સાથે અનંત ચૌદશના પવિત્ર દિને ઉમરા ગામે અંબિકા નદીના કિનારે ગણેશ વિસર્જન અર્થે પધારેલા શ્રદ્ધાળુઓ માટે પરમ પૂજ્ય મહેશ બાપુ દ્વારા વિશેષ જનસેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુ દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે ભક્તિ સાથે જનસેવાનો સમન્વય સાધીને સ્વદેશી ભડકુ, આજીલાની ચટણી અને બાફેલા દેશી ચણાનું વિના મૂલ્યે વિતરણ કરી માનવ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
અંબિકા નદી કિનારે આસપાસના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. અહી પધારેલા તમામ ભક્તોએ આ નિઃશુલ્ક સેવા પ્રસાદનો લાભ લઈ અમૃતતુલ્ય રસાસ્વાદનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
આ નિઃશુલ્ક સેવા કાર્યક્રમમાં મહુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ ખાસ હાજરી આપી હતી. તેમણે સ્વદેશી વાનગીઓનો પ્રસાદ આરોગી આનંદ વ્યક્ત કર્યો હતો અને પૂજ્ય મહેશ બાપુને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્યશ્રીએ પૂજ્ય બાપુને પૂજ્ય જલારામ બાપાની પ્રણાલિકા મુજબ સમગ્ર વિસ્તારમાં માનવ સેવાની આ જ્યોત પ્રજ્વલિત રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સેવા યજ્ઞને સફળ બનાવવામાં પૂજ્ય મહેશ બાપુની સાથે શ્રી જશવંતભાઈ કલકવા, શ્રી પ્રકાશભાઇ અલગટ તથા બુટવાડા-બહેડાની સેવાભાવી બહેનોએ ઉત્સાહપૂર્વક નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે પૂજ્ય મહેશ બાપુએ સંદેશ આપતા જણાવ્યું હતું કે, “જન કલ્યાણ અને જન સેવા એ જ સાચો માનવ ધર્મ છે. આપણે સમાજમાં એકબીજાને ઉપયોગી બની મદદરૂપ થતા રહીએ, એ જ જીવન કલ્યાણનો સાચો માર્ગ છે.”



