અંબિકાના અલગટમાં જૂની અદાવતે લોહિયાળ ખેલ: યુવકનું માથું ફોડ્યું
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અલગટ ગામે પ્રેમ સંબંધની જૂની અદાવત રાખીને એક યુવક પર લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે.ઘટના અંગે અનાવલ પોલીસે ધમકી આપનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અંબિકા તાલુકાના અલગટ ગામના પારસી ફળિયામાં રહેતા 29 વર્ષીય પ્રીતેશકુમાર સુખાભાઈ પટેલ પર તેમના જ ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ ધીરૂભાઈ પટેલે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ગત તારીખ 14 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે જીગ્નેશ પટેલના ઘર પાસે જાહેર રોડ પર પ્રીતેશને આંતરીને બોલાચાલી કરી હતી.
આરોપી જીગ્નેશ પટેલની પત્ની સાથે ફરિયાદી પ્રીતેશ પટેલને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. આ બાબતની મનમાં અદાવત રાખીને જીગ્નેશ પટેલે ઉશ્કેરાઈ જઈ પ્રીતેશ પટેલ પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. લાકડીના સપાટા વાગતા તેમને માથાના ભાગે તથા જમણા ખભા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન જીગ્નેશભાઈએ ફરિયાદી પ્રિતેશભાઈને જાહેરમાં ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે ઈજાગ્રસ્ત પ્રીતેશ પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીગ્નેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



