સરકારી યોજના અને માનવસેવાનો સમન્વય: આયુષ્યમાન કાર્ડ બન્યું અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ

SHARE:

સરકારી યોજના અને માનવસેવાનો સમન્વય: આયુષ્યમાન કાર્ડ બન્યું અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ

ડો.કિનવ ચૌધરીની સેવાભાવના અને PM-JAY યોજનાના સુમેળથી બારડોલી હોસ્પિટલમાં દર મહિને ૪૦૦થી વધુ દર્દીઓને મળી રહી છે નિઃશુલ્ક સારવાર

દર્દીઓની સરળતા માટે હોસ્પિટલમાં આયુષ્યમાન હેલ્પ ડેસ્ક કાર્યરત: દસ્તાવેજ ચકાસણી તેમજ માર્ગદર્શન આપી આયુષ્યમાન કાર્ડ બનાવવામાં હેલ્પ ડેસ્ક કરે છે મદદ

 

*‘દર્દી પાસે પૈસા છે કે નહીં, એ જોવાને બદલે દર્દીને સમયસર અને યોગ્ય સારવાર મળે એ જ ડોક્ટર તરીકે સૌથી મોટી માનવ સેવા છે’ આભાવનાને જીવનમાં ઉતારનાર મહુવા તાલુકાના શેખપુર-દાતરડી ગામના વતની અને બારડોલી હોસ્પિટલના સર્જન ડો. કિનવ ડાહ્યાભાઈ ચૌધરી આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ડો.કિનવ ચૌધરીની સેવાભાવના અને PM-JAY યોજનાના સુમેળથી બારડોલી હોસ્પિટલમાં દર મહિને ૪૦૦થી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહી છે.
આદિવાસી પરિવારમાં જન્મેલા ડો. કિનવ ચૌધરીએ વર્ષ ૨૦૦૫માં જામનગરની એ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં એમ.એસ. (સર્જરી) પૂર્ણ કરીને પોતાના વિસ્તારના લોકો માટે ગુણવત્તાસભર આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. પરિણામે બારડોલી હોસ્પિટલ અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની છે.
બારડોલી હોસ્પિટલમાં વિશેષ આયુષ્યમાન હેલ્પ ડેસ્ક ઉભી કરાઈ છે, જે દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ તેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોતું નથી, ત્યારે હેલ્પ ડેસ્ક દ્વારા દર્દીઓના દસ્તાવેજોની ચકાસણી, માર્ગદર્શન અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી કાર્ડ બનાવવામાં સહાય કરવામાં આવે છે. પરિણામે દર્દીઓને સારવાર માટે આર્થિક ચિંતાનો સામનો કરવો પડતો નથી.
ડો. કિનવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગામડાં અને આદિવાસી વિસ્તારોમાં ઉછર્યો હોવાથી આરોગ્યસુવિધાના અભાવને નજીકથી અનુભવ્યો છે. ઘણા પરિવારો માત્ર સારવારના ખર્ચના ડરથી હોસ્પિટલ સુધી પહોંચતા ન હતા. ડોક્ટર બન્યા બાદ મનમાં એક જ સંકલ્પ હતો કે વતનના લોકો માટે એવી આરોગ્યસેવા ઉભી કરવી જ્યાં આર્થિક મુશ્કેલી સારવારમાં અવરોધ ન બને. આયુષ્યમાન ભારત યોજના એ સંકલ્પને સાકાર કરવામાં સૌથી મોટી સહાયક બની છે.
તેઓ વધુમાં જણાવે છે કે, અંતરિયાળ ગામમાંથી કોઈ દર્દી આવે અને તેની પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય તો પણ અમારી ટીમ તેને જરૂરી માર્ગદર્શન આપી કાર્ડ બનાવવામાં મદદ કરે છે. દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે એ જ અમારી સૌથી મોટી કમાણી છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના હસુબેન શૈલેષભાઈ ચૌધરીને આયુષ્યમાન કાર્ડ થકી મળ્યું નવજીવન

૫૦ વર્ષીય તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના હસુબેન શૈલેષભાઈ ચૌધરીને પેટમાં અસહ્ય દુખાવો થતાં બારડોલી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એપેન્ડિકસની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું અને તાત્કાલિક સર્જરી કરવામાં આવી.
હસુબેન જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે ઓપરેશનનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન યોજનાની માહિતી અને માર્ગદર્શન મળ્યું. કાર્ડના કારણે મારું સફળ ઓપરેશન થયું અને એક પણ રૂપિયાનો વધારાનો બોજ આવ્યો નહીં. આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું.એ બદલ સરકારનો આભાર માનું એટલો ઓછો છે.

૭૫ વર્ષીય પુનયાભાઈ દેવજીભાઈ ચૌધરી માટે આયુષ્યમાન કાર્ડ યોજના બની સંજીવની

માંડવીના પુનાગામના ૭૫ વર્ષીય પુનયાભાઈ દેવજીભાઈ ચૌધરીને હાર્ટ બ્લોકની ગંભીર તકલીફ સર્જાતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દર્દીના પૌત્ર તૃષિત ચૌધરીએ જણાવ્યું કે, દાદાની સ્થિતિ ગંભીર હતી. પરિવાર ખૂબ ચિંતામાં હતો, કારણ કે સારવાર ખર્ચાળ હતી. પરંતુ આયુષ્યમાન યોજનાના કારણે સમયસર સારવાર મળી અને આર્થિક બોજ પણ આવ્યો નહીં. આજે દાદાની તબિયત સારી છે. આ યોજના અમારા પરિવાર માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અમે સરકારના હંમેશા આભારી રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!