ચેતી જજો હવે નહીં તો કંઈક આવું પણ થાય!’બજાજ ફાયનાન્સ’ના નામે કૉલ આવ્યો ને પશુપાલકના ₹૨.૬૨ લાખ ગાયબ, ચોંકાવનારો સાયબર ફ્રોડ!

SHARE:

બજાજ ફાયનાન્સમાંથી બોલું છું કહી તરસાડીના પશુપાલક સાથે ₹૨.૬૨ લાખની ઓનલાઈન ઠગાઈ: બે શંકાસ્પદ નંબર ધારકો સામે ગુનો નોંધાયો

 

​મહુવા:-સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા યુવક સાથે બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના બહાને ₹૨.૬૨ લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મહુવા પોલીસ મથકે બે અજાણ્યા નંબર ધારકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
​મળતી માહિતી મુજબ, તરસાડી ગામની ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય કાનાભાઈ પોલાભાઈ રાલા (રબારી)ને બે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યા હતા. જેમાં પ્રથમ મોબાઈલ નંબર ૯૨૬૨૨-૬૧૨૨૧ પરથી એક અજાણ્યા પુરુષે વાત કરી હતી, જ્યારે બીજા મોબાઈલ નંબર ૯૨૮૮૫-૦૭૦૦૪ પરથી પોતાનું નામ ‘મોહમ્મદ અરમાન શાહ’ બતાવી વાતચીત કરવામાં આવી હતી.
​બંને અજાણ્યા શખ્સોએ સમાન ગુનાહિત ઈરાદો રાખી કાનાભાઈને પોતે બજાજ ફાયનાન્સ કંપનીમાંથી બોલે છે તેવી ઓળખ આપી હતી. ત્યારબાદ સસ્તા વ્યાજે લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી અલગ-અલગ તારીખ અને સમયે પ્રોસેસિંગ ફી તથા અન્ય ચાર્જિસના નામે નાણાંની માંગણી કરી હતી. કાનાભાઈએ લોનની લાલચમાં આવીને ટુકડે-ટુકડે કૂલ ₹૨,૬૨,૨૯૯/- ઓનલાઈન ટ્રાન્સફર તેમજ બેંક એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ કરાવ્યા હતા.
​લાંબો સમય વીતવા છતાં લોન ન મળતા અને સામે પક્ષેથી કોઈ યોગ્ય જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં કાનાભાઈએ આખરે મહુવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
​મહુવા પોલીસે ફરિયાદના આધારે બંને અજાણ્યા મોબાઈલ નંબર ધારકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૧૮(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩(૫) તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬(C) અને ૬૬(D) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.કે. પટેલ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!