વલવાડામાં પુત્રવધૂ બેકાબૂ: પતિ સાથેના ઝઘડામાં વચ્ચે પડેલા ૯૪ વર્ષના અશક્ત દાદી સાસુને વેલણ મારી હાથ ભાંગી નાખ્યો!
અનાવલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી: ઘરડા સાસુને ધક્કો મારી નીચે પાડી દેતા કાંડામાં ગંભીર ફ્રેક્ચર

અનાવલ:
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ગામે ઘરકંકાસની એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. વલવાડા ગામના ગામતળ ફળિયામાં સામાન્ય બાબતે દંપતી વચ્ચે ચાલી રહેલી બોલાચાલીમાં વચ્ચે બચાવ કરવા અને સમજાવવા ગયેલા ૯૪ વર્ષના અતિ વૃદ્ધ દાદી સાસુ પર પુત્રવધૂએ ગુસ્સામાં આવી વેલણથી હુમલો કરી દીધો હતો. હુમલા એટલો જોરદાર હતો કે વયોવૃદ્ધ દાદી નીચે પટકાઈ પડ્યા હતા અને તેમના જમણા હાથના કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદી રાહુલભાઈ ભરતભાઈ મિસ્ત્રી (ઉંમર ૩૫ વર્ષ) તેમના પરિવાર સાથે વલવાડા ગામે રહે છે. ગત તારીખ ૧૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે આશરે ૦૯:૦૦ વાગ્યાની આસપાસ રાહુલભાઈ અને તેમની પત્ની રિંકલબેન (ઉંમર ૩૧ વર્ષ) વચ્ચે ઘર-સંસારની નાની બાબતોને લઈને જોરદાર બોલાચાલી થઈ હતી. ઘરનો માહોલ તંગ થતાં ઘરમાં હાજર રાહુલભાઈના ૯૪ વર્ષીય દાદી ગુલાબબેન માધુભાઈ પ્રજાપતિ બંનેને શાંત પાડવા માટે આવ્યા હતા.
દાદી ગુલાબબેન જ્યારે વહુ રિંકલબેનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે રિંકલબેન એકાએક ભારે ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે રસોડામાં પડેલું રોટલી વણવાનું લાકડાનું વેલણ ઉપાડી ૯૪ વર્ષના અશક્ત દાદી સાસુના જમણા હાથ પર જોરથી ફટકારી દીધું હતું. એટલું જ નહીં, ધક્કો મારીને તેમને જમીન પર પાડી દીધા હતા, જેને લીધે દાદીના જમણા હાથના કાંડાના ભાગે ગંભીર ઈજા અને ફ્રેક્ચર થયું હતું. આ અંગે અનાવલ પોલીસે મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



