અંબિકા તાલુકામાં ભારે તબાહી મકાનો થયા ધરાશાય
ધોધમાર વરસાદે મહુવા પંથકમાં મચાવી તબાહી: અનાવલ-વસરાઈમાં મકાનોને નુકસાન, અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને ઘરવખરી અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અનાવલ ગામમાં રહેતા નિલેશ પટેલના રહેણાંક મકાનને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે વસરાઈ ગામમાં રમણભાઈના મકાનને પણ વરસાદથી નુકસાન પહોંચ્યું છે. બંને સ્થળોએ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત મહુવા તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળતાં લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. કેટલાક પરિવારોને પાણી બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓ વધી છે.
સ્થાનિક લોકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે તેમજ પીડિત પરિવારોને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.





