કૂતરું આડું આવતાં મોપેડ નહેરમાં ખાબકી: પત્ની પાણીના વહેણમાં ગુમ, પતિનો આબાદ બચાવ

અંબિકા: અંબિકા તાલુકાના વાંસકુઈ નહેર ફળિયા વિસ્તારમાં ગુરુવારે બપોરે દુર્ઘટનાજનક ઘટના બની હતી. ખેતરેથી ઘાસચારો કાપીને પરત ફરી રહેલા દંપતીનું મોપેડ કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય કેનાલ નજીક અકસ્માતગ્રસ્ત બનતાં પત્ની નહેરના ધસમસતા પાણીમાં તણાઈ જતાં ગુમ થઈ હતી, જ્યારે પતિનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંસકુઈ નહેર ફળિયાના રહેવાસી વિશાલ હસમુખભાઈ પટેલ પોતાની પત્ની પિનલબેન વિશાલભાઈ પટેલ (ઉં. આશરે 25-28 વર્ષ) સાથે ખેતરે ઘાસચારો કાપવા ગયા હતા. બપોરે તેઓ એક્ટિવા (નં. GJ-19-BS-1162) પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય કેનાલ પરથી પસાર થતાં અચાનક એક કૂતરું રસ્તામાં આવી ગયું હતું. કૂતરાને બચાવવાના પ્રયાસમાં વિશાલભાઈએ મોપેડ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન સહિત બંને નહેરમાં ખાબક્યા હતા.
અકસ્માત બાદ વિશાલભાઈ ભારે જહેમત બાદ નહેરના પાણીમાંથી બહાર નીકળી આવ્યા હતા, પરંતુ તેમની પત્ની પિનલબેન ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળે દોડી આવ્યા હતા અને અનાવલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને બચાવ ટીમને ઘટનાસ્થળે બોલાવી શોધખોળ શરૂ કરાવી હતી. બપોરે 3:30 વાગ્યે 112 મારફતે મળેલા કોલના આધારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજ સુધી મહિલાની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. અનાવલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
બોક્સ : સેકન્ડોમાં સર્જાઈ દુર્ઘટના
ખેતરેથી પરત ફરી રહેલા દંપતી માટે સામાન્ય મુસાફરી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. રસ્તામાં અચાનક કૂતરું આવી જતાં મોપેડચાલકે સંતુલન ગુમાવ્યું અને વાહન સીધું મુખ્ય કેનાલમાં ખાબક્યું હતું.
બોક્સ : 112 પર કોલ બાદ બચાવ કામગીરી
ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા મારફતે કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની ટીમે નહેરમાં મહિલાની શોધખોળ માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.



