કાંકરિયા ગામે કચરાના વિવાદે ગ્રામસભા રદ કરાઈ
અંબિકા તાલુકાના કાંકરિયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવેલી ખાસ ગ્રામસભા ગામના વિવાદિત કચરાના મુદ્દે થયેલા ભારે હંગામા અને ગ્રામજનોના તીવ્ર વિરોધ પ્રદર્શનને કારણે આખરે રદ કરવાની ફરજ પડી છે. આ અંગે ગામના સરપંચ દ્વારા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ 5 જૂનના રોજ શુક્રવારના દિવસે અંબિકા તાલુકાના કાંકરિયા ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના વિશેષ અવસરે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે, સભાની શરૂઆત થતાં જ ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા કચરાના વિવાદના મુદ્દે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈપણ જાતની વહીવટી પરવાનગી વિના ગેરકાયદેસર રીતે આ કચરો અહીં ખલાવવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આ કચરાના ઢગલામાં ભયાનક આગ લાગવાની ઘટના પણ બની ચૂકી છે, જેના કારણે સ્થાનિક સ્તરે પ્રદૂષણ અને લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હતું. આ મામલે કચરો નંખાવનાર જવાબદાર ખેડૂત સામે અગાઉ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.છતા પણ આ કચરો હજી ગામમાંથી ઊંચકાયો નથી.આવા ગંભીર અને વિવાદિત મુદ્દા પર કોઈ નિકાલ ન આવતા, મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ સભા દરમિયાન ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો શરૂ કરી દીધો હતો. ગ્રામજનોના આ ઉગ્ર વિરોધ અને અરાજકતાભર્યા વાતાવરણને કારણે ગ્રામસભાની યોગ્ય કામગીરી થઈ શકી નહોતી અને સભાનું કોઈ સુમેળભર્યું સંચાલન શક્ય બન્યું ન હતું.
અંતે, ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન વણસે તે હેતુથી, ગ્રામસભાના સંચાલન અધિકારી અને સરપંચ દ્વારા આ ખાસ ગ્રામસભાને સત્તાવાર રીતે રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે અંબિકા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.




