હીટવેવની આગાહીને પગલે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર પીવાના પાણી અને છાંયડાની સુવિધા ઉભી કરાશે.
આરોગ્યની આપાતકાલીન સ્થિતિમાં તુરંત સારવાર મળી રહે એ માટે ચૂંટણી દરમિયાન મોબાઈલ મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ-બાય રહેશે.
હાલના ઉનાળાના સમયમાં વધી રહેલી ગરમી અને આગામી ૨૪ તથા ૨૫ એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી હીટવેવની આગાહીને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્વના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના મતદાનના દિવસે મતદારો અને મતદાન સ્ટાફને લૂ (હિટવેવ) થી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. જેમાં દરેક મતદાન મથક પર મતદારો માટે શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપરાંત મતદારોને તડકામાં ઊભા ન રહેવું પડે તે માટે મંડપ અથવા મથકની આસપાસના ઓરડાઓનો ઉપયોગ કરીને છાંયડાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
ગરમીના કારણે સર્જાતી સ્વાસ્થ્યની કટોકટીને પહોંચી વળવા માટે દરેક મથક પર પ્રાથમિક દવાઓ અને ઓ.આર.એસ. (ORS) ની કિટ રાખવામાં આવશે. તેમજ જરૂરિયાત મુજબ મોબાઈલ મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ-બાય રહેશે જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તુરંત સારવાર મળી રહે અને મતદારો કોઈપણ મુશ્કેલી વિના નિર્ભય થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એમ ડિઝાસ્ટર મામલતદારની યાદીમાં જણાવાયું છે.



