નિહાલી ગામે વન વિભાગને મોટી સફળતા મળી…
સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામમાં છેલ્લા દોઢ મહિનાથી દીપડાઓના સતત વધતા આતંક વચ્ચે વન વિભાગને મોટી સફળતા મળી છે. આજે ફરી એકવાર નિહાલી ગામના પટેલ ફળિયા વિસ્તારમાંથી દોઢ વર્ષની માદા દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ આંશિક રાહત અનુભવી છે. નોંધનીય બાબત એ છે કે, આ જ સ્થળ પરથી છેલ્લા 45 દિવસના ટૂંકા ગાળામાં વન વિભાગ દ્વારા પકડવામાં આવેલો આ પાંચમો દીપડો છે.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના નિહાલી ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓના આંટાફેરા વધી ગયા હતા.ખાસ કરીને પાલતુ પશુઓ પર થતા હુમલા અને ખેતરોમાં દીપડાની હાજરીને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળતો હતો. વન વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને પટેલ ફળિયાના ચાર રસ્તા પાસે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે એક વિશાળકાય માદા દીપડી મારણની લાલચે પાંજરામાં કેદ થઈ હતી. પાંજરે પુરાયા બાદ દીપડીએ બહાર નીકળવા માટે ભારે ધમપછાડા કરી ત્રાડો નાખી હતી, જેના અવાજથી સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જોકે, એક જ જગ્યાએથી પાંચ-પાંચ દીપડા પકડાયા હોવા છતાં ગ્રામજનોની ચિંતા હજુ શમી નથી. સ્થાનિકોનું માનવું છે કે આ વિસ્તારમાં હજુ પણ દીપડાનો આખો પરિવાર સક્રિય છે અને અન્ય દીપડાઓ મુક્તપણે ફરી રહ્યા છે. રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જતા ખેડૂતો હજુ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.ઘટનાની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અંદાજે 1.5 વર્ષની દીપડીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામજનોએ વન વિભાગની આ સતર્ક કામગીરીને બિરદાવી છે, પરંતુ સાથે એવી પણ માંગ કરી છે કે જ્યાં સુધી આ વિસ્તાર સંપૂર્ણપણે ભયમુક્ત ન થાય ત્યાં સુધી પાંજરું યથાવત રાખવામાં આવે.


