સુરત જિલ્લાનાં ખેડૂતોને ‘ડિજીટલ ક્રોપ સર્વે’ના AI બોટ દ્વારા થતાં વેરીફીકેશન દરમિયાન સચોટ માહિતી આપવા અને અફ્વાહોથી દૂર રહેવા અનુરોધ.
કેન્દ્ર સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશથી અમલી ડિજિટલ ક્રોપ સર્વેનાં કાર્યને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં AI બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં હાલ રવિ ઋતુ દરમિયાન, સર્વેયરો દ્વારા ખેતરોની મુલાકાત લઈ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગ) સાથે ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવી છે. અને આ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા AI બોટનો ઉપયોગ થઇ રહ્યો છે.
ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયેલા ખેડૂતોને ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ કોલ અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોએ આવા કોલ અથવા મેસેજ પર તેમના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપવી અને કોઈપણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવું. ખેતી સંબંધિત ડેટાને વધુ પારદર્શક બનાવવા અને ભવિષ્યમાં ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ ઝડપથી મળી શકે તે માટે શરુ કરાયેલી આ પહેલમાં સક્રિય સહયોગ આપવા અને સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃત રહેવા સુરત જિલા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.



