Traffic Tail

CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લામાં એકસાથે ૬ દત્તક ઇચ્છુક દંપતિને જિલ્લા કલેકટરે દત્તક વિધાનનો આદેશ કર્યો: પરિવારોમાં ખુશીનો માહોલ

SHARE:

CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લામાં એકસાથે ૬ દત્તક ઇચ્છુક દંપતિને જિલ્લા કલેકટરે દત્તક વિધાનનો આદેશ કર્યો: પરિવારોમાં ખુશીનો માહોલ

દેશમાં અને દેશ બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓ સંદર્ભની સુરત જિલ્લાની બીજી ઘટના
CARA(સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ અથોરિટી) એડોપ્શન રેગ્યુલેશન, ૨૦૨૨ અંતર્ગત સુરતમાં એકસાથે ૬ દંપતિઓને જિલ્લા કલકટર ડો.સૌરભ પારધીએ દત્તક વિધાન આદેશ કર્યો છે. એક કિસ્સામાં દેશની અંદર અને બીજામાં દેશની બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓમાં સુરત જિલ્લાનો બીજો કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય ૪ દંપતિઓએ સ્ટેપ અડોપ્શન દ્વારા બાળક દત્તક લીધા છે.
CARA એક્ટ ૨૦૨૨ના અમલીકરણ બાદ સુરત જિલ્લામાં Inter Country Relative adoption એટલે કે દેશ બહાર વસતા સંબંધીને બાળક દત્તક આપવાના કિસ્સામાં ૧૬ વર્ષનો ભાઈ અને તેની ૧૪ વર્ષીય બહેનને સગા પિતાના અવસાન બાદ પરિવારની સહમતિથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વસતા સગા કાકા-કાકી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.
જ્યારે અન્ય કિસ્સામાં સુરતમાં જ વસવાટ કરતા સગા બહેને પોતાના ભાઈને સંતાન ન હોવાથી પોતાની ૩ વર્ષની દીકરીને દત્તક આપી હતી. આ બંને કિસ્સાઓમાં જિલ્લા કલેકટરના હસ્તે ચારે દંપતિને કાયદેસર દત્તક આદેશ આપવામાં આવ્યા છે. દત્તક બાળકોને પારિવારિક હૂંફ, લાગણી, કાળજી અને પ્રેમ સાથે તેમના ભવિષ્યને નવી દિશા મળશે. કલેક્ટરશ્રીએ દત્તક લેનાર કાયદેસરના માતા-પિતાઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથે જ CARA એક્ટ ૨૦૨૨ હેઠળ જ સ્ટેપ એડોપ્શન (સાવકા માતા-પિતા)દ્વારા બાળકને દત્તક લેવાના કિસ્સામાં એક સાથે ૪ દંપતિ કાયદેસર રીતે માતા પિતા બન્યા છે. આમ, એક જ દિવસમાં સુરત જિલ્લામાં એક સાથે ૬ દત્તક ઇચ્છુક દંપતિએ બાળક દત્તક લીધાના આદેશની નકલ પ્રાપ્ત કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમાર, જિલ્લા બાળ સુરક્ષા એકમ- બિનસંસ્થાકીય સંભાળના અધિકારી ચિરાગ એમ.રામાવત દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એડોપ્શન રેગ્યુલેશન એક્ટ, ૨૦૨૨ અંતર્ગત બાળક દતકની પ્રક્રિયામાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩થી CARAના અમલીકરણ બાદ Cara.wcd.gov.in વેબસાઇટ ઉપર દત્તકની પ્રક્રિયા થતી હતી. જે બંધ કરીને કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૫થી દત્તકની પ્રક્રિયા માટે મિશન વાત્સલ્ય પોર્ટલ લોન્ચ કરાયું છે. દત્તક ઇચ્છુક દંપતિએ વેબ સાઇટ missionvatsalya.wcd.gov.in ઉપર જરૂરી પુરાવા ઉપલોડ કરીને બાળક દત્તક લેવાની પ્રક્રિયા કરવી અનિવાર્ય છે.
તેમજ સ્ટેપ અડોપ્શન એટલે કે સાવક માતા-પિતા તરીકે દત્તક લેવાની પ્રક્રિયા, જે પહેલા જે-તે જિલ્લાની નગરપાલિકા કે મહાનગરપાલિકાના રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા પણ હવે કેન્દ્રીય રીતે CARA એક્ટ હેઠળ જ હાથ ધરવામાં આવે છે.

CARA એક્ટ ૨૦૨૨ શું છે?

સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) એ ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની એક વૈધાનિક સંસ્થા છે. જે બાળક દત્તક લેવા માટે કેન્દ્રીય સત્તા તરીકે કાર્ય કરે છે. તે મુખ્યત્વે અનાથ, ત્યજી દેવાયેલા અને આત્મસમર્પણ કરાયેલા બાળકો માટે દેશમાં અને આંતર-દેશીય દત્તક પ્રક્રિયાનું નિયમન અને દેખરેખ રાખે છે. ખાસ કરીને આંતર દેશીય દત્તક પ્રક્રિયામાં જરૂરી પ્રમાણપત્રો આપી સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરતી કેન્દ્રીય સત્તા તરીકે સેવા આપે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!