Traffic Tail

બારડોલી ખાતે ક્વોલિટી સર્કલ ફોરમ (સુરત ચેપ્ટર) દ્વારા ૭મું ક્વોલિટી કન્વેન્શન યોજાયું

SHARE:

બારડોલી ખાતે ક્વોલિટી સર્કલ ફોરમ (સુરત ચેપ્ટર) દ્વારા ૭મું ક્વોલિટી કન્વેન્શન યોજાયું

‘આત્મનિર્ભર- વિકસિત ભારત માટે ક્વોલિટી કોન્સેપ્ટ્સ’ થીમ આધારિત કન્વેન્શનમાં ઉદ્યોગ નિષ્ણાતો, શિક્ષણવિદ્દો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ઉદ્યોગોમાં ગુણવત્તા જાળવવા ક્વોલિટી ઝુંબેશના ધ્યેય સાથે નિષ્ણાંતોએ વિચારમંથન કર્યું
ક્વોલિટી સર્કલ ફોરમ ઑફ ઈન્ડિયા (QCFI)- સુરત ચેપ્ટર દ્વારા બારડોલી સ્થિત આર.એન.જી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ખાતે ૭મુ ક્વોલિટી કોન્સેપ્ટ્સ કન્વેન્શન યોજાયું હતું. જેમાં “આત્મનિર્ભર વિકસિત ભારત માટે ક્વોલિટી કોન્સેપ્ટ્સ” થીમ પર આધારિત આ કન્વેન્શનમાં ઉદ્યોગ નિષ્ણાતો, શિક્ષણવિદ્દો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કન્વેન્શનમાં રાજ્યભરના વિવિધ ઔદ્યોગિક એકમોની ૭૫ ટીમોના આશરે ૪૫૦ જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો હતો, સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા માટે રાજ્યના ૨૫ જજિસને આમંત્રિત કરાયા હતા. તેમની વિશદ મૂલ્યાંકન પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો એનાયત કરાયા હતા.
સમારોહના ઉદ્દઘાટન સત્રમાં QCFI સુરત ચેપ્ટરના ચેરમેન શ્રી એલ.કે. ડુંગરાણીએ સૌને આવકારી ક્વોલિટી ઝુંબેશના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, ક્વોલિટી સર્કલ્સ માત્ર એક પદ્ધતિ નથી, પરંતુ તે નવીનતા અને પાયાના સ્તરેથી પરિવર્તન લાવવા માટે સશક્ત બનાવે છે. ક્વોલિટી સર્કલ ફોરમની કામગીરી તથા ઉદ્યોગોમાં ગુણવત્તા અમલ માટે કરવામાં આવતા પ્રયાસોની વિગતવાર માહિતી આપી તેમણે સલામતીના ઉચ્ચ ધોરણો જાળવવા તથા કારખાનામાં અકસ્માતોની સંભાવના ઘટાડવા માટે વારંવાર ઓડિટ તથા સલામત કાર્યપદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
RNGPITના ડાયરેક્ટર QCFI ના ડાયરેક્ટર અને QCFI સુરત ચેપ્ટરના વાઇસ ચેરમેન ડૉ. લતેશ બી. ચૌધરીએ સંસ્થા અને ફોરમના વિઝન વિશે વાત કરી. તેમણે કહ્યું, ભારતને વિકસિત ભારત બનાવવા માટે, દરેક સંસ્થા અને ઉદ્યોગે ગુણવત્તાને એક સંસ્કૃતિ તરીકે સ્વીકારવી પડશે. તે કોઈ અંતિમ મુકામ નથી, પરંતુ સુધારણાની એક સતત યાત્રા છે.
બ્રેક્સ ઇન્ડિયા પ્રા.લિ.-ઝગડિયાના પ્લાન્ટ હેડ અને સમારોહના મુખ્ય અતિથિ અતુલ ખરૂલે પ્રેરણાદાયક સંબોધનમાં કહ્યું કે, ગુણવત્તા એ આત્મનિર્ભરતાનો પાયો છે. આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે દરેક પ્રોફેશનલ અને વિદ્યાર્થી પોતાના દૈનિક કાર્યમાં ગુણવત્તાની પ્રેક્ટિસ અપનાવે. ગુજરાતના કારખાનાઓ જો ઉચ્ચતમ ગુણવત્તા ધોરણો અપનાવે, તો ભારત આત્મનિર્ભર બની વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે. તેમણે આવાં કન્વેન્શન ઉદ્યોગોમાં ક્વોલિટી અવેરનેસ વધારવામાં સહાયક બને છે એમ જણાવ્યું હતું.
એલ.એન્ડ.ટી. હજીરાના જનરલ મેનેજર, હેડ ડિઝાઇન & ડેવલપમેન્ટ સેન્ટર, PES-IC, શ્રી કે. વેંકટેશને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના જોડાણના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ક્વોલિટી કોન્સેપ્ટ્સ માત્ર ઉદ્યોગો પૂરતા સીમિત ન રહેવા જોઈએ; તે શિક્ષણ, સરકાર અને સમાજ માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. તેમણે તમામ સ્પર્ધકોને ગુણવત્તા માટે ક્યારેય સમાધાન ન કરવા શીખ આપી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક બાબુભાઈ પટેલે સ્વચ્છતા અને ગુણવત્તા બંનેને રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય ગણાવી ક્વોલિટીના ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા અનુરોધ કર્યો હતો.
સમાપન સત્રમાં L&T ડિફેન્સના વાઈસ પ્રેસિડન્ટ તથા યુનિટ હેડ અતુલકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, ગુણવત્તા ભારતને રક્ષણ ક્ષેત્રમાં પણ અગ્રેસર બનાવશે. હાજર રહેલા તમામ ડેલીગેટ્સને સમાજ પ્રત્યે જવાબદારી સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
એકદિવસીય કન્વેન્શનમાં ટેકનિકલ સેશન્સ, કેસ સ્ટડીઝ અને સ્પર્ધાઓ યોજાઈ હતી.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી એન.કે. ખેર, તથા સરદાર પટેલ એજ્યુ. સોસાયટીના મંત્રી મોહનભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ચેરમેન શ્રી એલ.કે. ડુંગરાણી અને તેમની કાર્યકુશળ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન QCFI સુરત ચેપ્ટરના સેક્રેટરી શ્રી પંકજ ચાવડા દ્વારા આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે થયું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!