સુરત એરપોર્ટ પર CISF વિજિલન્સ ટીમે સોનાની દાણચોરી ઝડપી પાડી: ૨૮ કિલો સોનાની પેસ્ટ જપ્ત
સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આગમન દરમિયાન સોનાની દાણચોરી ઝડપી પાડી ૨૮ કિલો સોનાની પેસ્ટ (૨૩ કિલો સોનુ) જપ્ત કરી હતી.
ગત તા.૨૦મી જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસના આગમન વિસ્તારમાં નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ દરમિયાન CISF વિજિલન્સ ટીમના સભ્યોએ દુબઈથી રાત્રે ૧૦.૦૦ વાગ્યે સુરત એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174 માં થી ઉતરેલા બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવ્યા હતા. વિજિલન્સ ટીમના કર્મચારીઓને તેમજ કસ્ટમ અધિકારીઓએ સામાનની સંપૂર્ણ તપાસ કરતા બંને મુસાફરોના શરીર પર ચાલાકીપૂર્વક છુપાવેલી લગભગ ૨૮ કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. સોનાની પેસ્ટને જપ્ત કરી કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી.
CISF ટીમની સતર્કતાથી સોનાના મોટાપાયે દાણચોરીનો પ્લાન નિષ્ફળ ગયો હતો.




