જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં ‘જલમિત્ર માર્ગદર્શન’ સેમિનાર યોજાયો
ગામના જાગૃત્ત નાગરિકો ‘જલમિત્ર’ બને અને વરસાદી પાણીના સંચય માટે ગ્રામજનોને પ્રેરિત કરે એ ‘જળસંચય જનભાગીદારી’ 2.0’ ઝુંબેશનો ઉદ્દેશ: જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી
ગત વર્ષમાં ૬૦,૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ કરી સુરત જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ તેમજ દેશના દસ શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે:
સ્થાનિક સ્તરે લોકોને જળસંચય વિશે જાગૃત્તિ માટે જળમિત્રો એ ગામ અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે કડીરૂપ છે
: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ

‘જળસંચય જનભાગીદારી અભિયાન ૨.૦’ અંતર્ગત જળ સંરક્ષણ- જળસંચય અંગે સામૂહિક જાગૃતિ ફેલાવવા તથા ‘જલમિત્ર’ તરીકેના યોગદાનને વેગવંતુ બનાવવાના હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ભવન-વેસુના ઓડિટોરીયમમાં ‘જલમિત્ર માર્ગદર્શન’ સેમિનાર યોજાયો હતો
જળબચત, જળસંચય અને જળસંરક્ષણના કામો જેવા કે બોર-કુવા-રૂફ ટોપ વોટર રિચાર્જ, નવા તળાવો, હયાત તળાવ ઉંડા કરવા, નવા ચેકડેમ, ચેકડેમ રિપેરીંગ વગેરે જેવા કામો મહત્તમ થાય તે માટે ગામ લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્થાનિક નાગરિકોને જળમિત્ર તરીકે જોડવામાં આવ્યા છે, ત્યારે આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ગામના જાગૃત્ત નાગરિકો ‘જલમિત્ર’ બને અને પોતાના ઘરે કે ખેતરમાં વરસાદી પાણીનો સંચય કરે, ગ્રામજનોને પ્રેરિત કરે એ ‘જળસંચય જન ભાગીદારી 2.0’ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે. વરસાદી પાણી એમ જ વહી ન જાય તે માટે દરેક ખેડૂતે પોતાના ખેતરમાં નાનો ખાડો કે નાનું સ્ટ્રક્ચર બનાવી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું આયોજન કરવું એ સમયની જરૂરિયાત છે. દરેક ગામમાં લોકસહયોગથી જળસંચય તરફના પ્રયાસો કરવા આવશ્યક છે, જેથી આવનારી પેઢીને સમૃદ્ધ જળવારસો આપી શકાય.
વધુમાં તેમણે કહ્યું કે, ‘જળમિત્ર’ તરીકે સુરત જિલ્લાના ૫૬૬ જેટલા જાગૃત નાગરિકો જોડાયા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધી અનેક સ્થળોએ જળસંચયના સ્ટ્રક્ચરો બનાવાયા છે, હવે આવશ્યક છે કે વરસાદના આ સમય દરમિયાન તેનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય જેથી તેનો આજીવન લાભ મળતો રહે. જળ એ જીવન છે અને તેનું સંરક્ષણ કરવું આપણી દરેકની જવાબદારી છે. જળમિત્ર બનવું એ સમાજ પ્રત્યેની જવાબદારીની સાથે ભવિષ્યની પેઢી માટે પાણી બચાવવાનો સંકલ્પ છે.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ‘જળસંચય જનભાગીદારી’ પહેલ સુરત જિલ્લામાંથી શરૂ થઈ હતી, ત્યારે ગત વર્ષે સરકારી ગ્રાંટ, નાણા પંચની ગ્રાંટ, CSR ફંડ, સહકારી સંસ્થાઓ વગેરેના સહયોગથી અંદાજિત ૬૦,૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ કરી સુરત જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ તેમજ દેશના દસ શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે સમગ્ર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. ‘જળસંચય જનભાગીદારી 2.0’ના નવા તબક્કામાં સુરત જિલ્લામાં વધુ અસરકારક કામગીરી થઈ શકે એ દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
શ્રીમતી ગોયલે કહ્યું કે, જ્યાં જ્યાં જળસંચયના સ્ટ્રક્ચરો નિર્માણ પામ્યા છે, ત્યાં યોગ્ય રીતે મેઇન્ટેનન્સ કરવું પણ ખૂબ જરૂરી છે, જેથી વરસાદી પાણી વધુ માત્રામાં સંગ્રહિત થઈ શકે. આગામી સમયમાં સરકારી યોજના અને ગ્રાન્ટના ઉપયોગથી વધુમાં વધુ જળસંચયના કામો હાથ ધરવામાં આવશે.
આ વેળાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ‘જળસંચય જનભાગીદારી’ ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લાની કામગીરીનો ચિતાર રજૂ કરાયો હતો.
આ વેળાએ ઉપસ્થિત સૌએ જળસંચયના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.સી.પટેલ, પંચાયત સિચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર, સુરત જિલ્લાના વિવિધ ગામનો સરપંચશ્રીઓ,તલાટીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.


