Traffic Tail

બારડોલી તાલુકાના સાંકરી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ અને ‘ખેડૂત સંમેલન’ યોજાયું

SHARE:

બારડોલી તાલુકાના સાંકરી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ અને ‘ખેડૂત સંમેલન’ યોજાયું

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-*
* વડાપ્રધાનશ્રીની વિકસિત ભારત નિર્માણની સંકલ્પપૂર્તિમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે
* ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકારના અથાગ પ્રયાસોના કારણે રાજ્યના ખેડૂતો વર્ષમાં બે સિઝન પાક ઉત્પાદન લઈ શકે છે
* પી.એમ. કુસુમ યોજના હેઠળ રાજ્યના ૧૧ હજારથી વધુ ખેડૂતોને સોલાર પંપ માટે રૂ. ૩૪૨ કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે

*કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ:-*
* ‘વિકસિત કૃષિ અને સમૃદ્ધ કિસાન’ એ કેન્દ્ર સરકારનું પ્રાથમિક લક્ષ્ય
* પ્રાકૃતિક કૃષિ સાથે મહત્તમ ખેડૂતોને જોડવામાં ગુજરાતે શાનદાર કામ કર્યું
* વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશના ૧ લાખ ગામોના ૧.૧૨ કરોડ ખેડૂતો લાભાન્વિત અને માર્ગદર્શિત થયા

ખેતીવાડી, બાગાયત, પશુપાલનની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિષે પરિસંવાદ તેમજ કૃષિ પ્રદર્શન યોજાયું

મુખ્યમંત્રી, કેન્દ્રીય કૃષિ મંત્રીના હસ્તે પોરબંદર, આણંદ અને કચ્છ જિલ્લામાં નવનિર્મિત બે સેન્ટર ઓફ એક્સેલન્સ અને એક પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ

બારડોલીમાં નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુહૂર્ત અને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. દ્વારા સુરતના ચલથાણ, નવસારીના વેડછા અને વલસાડના બારોલીયા ખાતે નવનિર્મિત ગોડાઉનોનું ઈ-લોકાર્પણ

કૃષિ કલ્યાણ યોજનાઓના મંજૂરીપત્રો, કૃષિ કિટ્સ, સન્માનપત્રો, સહાય હુકમોનું વિતરણ

ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહના પ્રારંભ દિન ‘૧૨ જૂન- બારડોલી દિવસે’ કર્મભૂમિ બારડોલીથી સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુખ્યમંત્રી, કેન્દ્રીય કૃષિમંત્રી અને મહાનુભાવો
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ અને ‘ખેડૂત સંમેલન’ યોજાયું હતું.

મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીના હસ્તે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લાના મજીવાણા ખાતે રૂ.૩.૯૪ કરોડના ખર્ચે નવનિર્મિત બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટિકલ્ચર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ઈસરામા ગામે રૂ.૨.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છ જિલ્લાના ભુજના કુકમા ખાતે રૂ.૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટર ઉપરાંત ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ દ્વારા સુરતના ચલથાણ, નવસારીના વેડછા અને વલસાડના બારોલીયા ખાતે નવનિર્મિત ગોડાઉનોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથોસાથ બારડોલીમાં નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુહૂર્ત પણ ખેડૂત સંમેલનમાં કરવામાં આવ્યું હતું.

૧૨ જૂન, ૧૯૨૮ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો. આ સફળ સત્યાગ્રહના કારણે ‘૧૨ જૂન- બારડોલી દિવસ’ તરીકે રાજ્યભરમાં ઉજવાય છે, ત્યારે આ ઐતિહાસિક દિને કર્મભૂમિ બારડોલીથી સરદાર સાહેબને મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી અને મહાનુભાવોએ ભાવાંજલિ આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાક ઉત્પાદન વધારવા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને નવી કૃષિ તકનીકોનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને સતત પ્રેરિત કરી રહી છે, ત્યારે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ખેડૂતોની આવક વધારવા, ખેતીને નફાકારક બનાવવા અને આત્મનિર્ભર કૃષિ પ્રણાલી અપનાવવામાં મહત્વપૂર્ણ પહેલરૂપ બન્યું છે. કૃષિ વૈજ્ઞાનિકોના જ્ઞાનનો લાભ રાજ્ય અને દેશના કરોડો કિસાનોને મળ્યો છે. વડાપ્રધાનશ્રીની વિકસિત ભારત નિર્માણની સંકલ્પપૂર્તિમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તા.૨૯ મે એ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન (VKSA) નો કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ઓરિસ્સાથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જેનું સમાપન ખેડૂતપુત્ર, લોખંડી પુરૂષ, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં થયું છે જેનો આનંદ વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીએ સત્યાગ્રહની સફળતાની ઉજવણીના ઐતિહાસિક દિવસ એવા ૧૨ જૂન- બારડોલી દિને સરદાર સાહેબનું સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, બારડોલી સત્યાગ્રહ ખેડૂતોની એકતા અને અહિંસક સંઘર્ષનું પ્રતીક બન્યો અને સરદાર પટેલને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કર્યા સાથોસાથ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તરીકે તેમની આગવી ઓળખ બનાવી.

દેશના અર્થતંત્રના પાયામાં કરોડો ખેડૂતો છે. ખેતી એ દેશના વિકાસનો આધાર છે. વડાપ્રધાનશ્રીએ કૃષિ, ઉદ્યોગ, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રોના વિકાસને વેગ આપ્યો છે. ઉપરાંત, તેમણે ગત એક દશકમાં કૃષિ ક્ષેત્રે મિકેનાઈઝેશન, ફૂડ પ્રોસેસિંગ અને સંગ્રહ ક્ષમતા વધારવા સાથે બીજથી બજાર સુધીની સમગ્ર વેલ્યુ ચેઈન વિકસાવી છે એનો મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

એક સમયે દર બે વર્ષે દુષ્કાળ, પાણીની તંગીના કપરી સ્થિતિમાં રાજ્યના ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોતા એ દિવસોને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં પાણીની તંગી નિવારવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના ગામો સુધી નર્મદાના નીર પહોંચાડયા હતા. ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાના ૩૨ તાલુકાના ૯૫૨ તળાવો સુધી પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડી ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે રૂ. ૧૧૮૧ કરોડથી વધુના ૧ લાખ ૫૬ હજાર મેટ્રિક ટન તુવેર અને રૂ.૮૪૯ કરોડથી વધુના ૧.૫૦ લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરી છે. પી.એમ. કુસુમ યોજના અંતર્ગત રાજ્યના ૧૧ હજારથી વધુ ખેડૂતોને સોલાર પંપ માટે રૂ. ૩૪૨ કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે એમ જણાવી રાજ્ય સરકારે ખેતી અને ખેડૂતો માટે કરેલા આવા કલ્યાણકારી પ્રયાસોના કારણે રાજ્યના ખેડૂતો વર્ષમાં બે સિઝન પાક ઉત્પાદન લઈ શકે છે એમ ગર્વથી જણાવ્યું હતું.

દેશમાં ૨૫ કરોડ સોઈલ હેલ્થ કાર્ડ ઈસ્યુ કરાયા છે, જે પૈકી ૨.૧૫ કરોડ સોઈલ હેલ્થ કાર્ડ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવ્યા છે. આ કાર્ડ થકી જમીનનું પૃથ્થકરણ સચોટ રીતે થતા યોગ્ય અને નફાકારક પાક ઉત્પાદન લઈ શકાય છે. રાજ્યના ૧૦ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, સોઈલ હેલ્થકાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો વડાપ્રધાનશ્રીના વિઝનનું પરિણામ છે એમ જણાવી તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દેશની સીમાઓની સુરક્ષા કરતા સૈન્યની ત્રણ પાંખોના તમામ વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કહ્યું કે, સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી નગર દેશના નકશામાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ બારડોલી તાલુકાના અકોટી ગામના ભીખીબેન નામની મહિલાએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ આપ્યું, જે આજે પણ તેમની ઓળખનું પ્રતીક છે.

શ્રી ચૌહાણે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીને નમન કરતા જણાવ્યું હતું કે, મા તાપી અને નર્મદા મૈયા મધ્યપ્રદેશ અને ગુજરાતને એકસૂત્રમાં જોડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગૌરવશાળી, સંપન્ન, સમૃદ્ધ, શક્તિશાળી અને વિકસિત ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. સમગ્ર દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ૧૬ હજાર વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, કૃષિ પદ્ધતિઓથી અવગત કરાવ્યા છે. આ અભિયાન હેઠળ સમગ્ર દેશના એક લાખ ગામોના ૧.૧૨ કરોડ ખેડૂતો સુધી પહોંચીને ખેડૂતોની આવક વધારવી, ખર્ચ ઘટાડવા તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

કૃષિ સંકલ્પ અભિયાનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને તેમને અદ્યતન કૃષિ તકનીકો, બિયારણની નવીન જાતો અને વિવિધ કૃષિ, બાગાયતી, પશુપાલનની કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો ઉદ્દેશ હતો. ‘વિકસિત કૃષિ અને સમૃદ્ધ કિસાન’ એ કેન્દ્ર સરકારનું પ્રાથમિક લક્ષ્ય છે.

પ્રાકૃતિક કૃષિ સાથે મહત્તમ ખેડૂતોને જોડવામાં ગુજરાતે શાનદાર કામ કર્યું છે એમ જણાવી શ્રી ચૌહાણે રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા.

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ૧.૫ કરોડ ખેડૂતોને વડાપ્રધાનશ્રીના લેબ ટુ લેન્ડના વિઝનને સાકાર કરવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આગવું માધ્યમ બન્યું છે. રાજ્ય સરકારે કૃષિયાંત્રિકીકરણ માટે ૭૦૦ કરોડની જોગવાઈ કરી છે. નેનો ટેકનોલોજી આધારિત નેનો યુરિયા મળી રહે તે માટે પુરતા પ્રમાણમાં આયોજન કર્યું છે. ખેડૂતો એફપીઓ રચીને પોતાની ખેત પેદાશોનું વેલ્યુએડિશન કરી વેચાણ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરી છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે બારડોલી સત્યાગ્રહ દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને ઝુકાવ્યા હતા એમ જણાવી સરદાર સાહેબને મંત્રીશ્રીએ અંજલિ આપી હતી.

આ સંમેલનમાં ખેડૂતોને સરદાર પટેલના વિઝનરી વ્યકિતત્વ અને ખેડૂત સત્યાગ્રહ વિશે સમજ અપાઈ હતી. ખેડૂતોને ખરીફ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન, નફાકારક પ્રાકૃતિક કૃષિ, ટકાઉ ખેતી, સોઈલ હેલ્થ કાર્ડના લાભ, નેનો ફર્ટીલાઈઝર યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગ તેમજ આધુનિક બિયારણ અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

આ ઉપરાંત ખેતીવાડી, બાગાયત, પશુપાલનની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિષે પરિસંવાદ તેમજ ૨૦ કૃષિ પ્રદર્શન સ્ટોલ દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાયું હતું.

મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીના હસ્તે ખેડૂત સંમેલન અંતર્ગત આયોજિત કૃષિ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ખેડૂત સંમેલનમાં કૃષિ કલ્યાણ યોજનાઓના મંજૂરીપત્રો, કૃષિ કિટ્સ, સન્માનપત્રો, સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રારંભે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરી ખેડૂત સંમેલન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની રૂપરેખા આપી હતી.

આ વેળાએ સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતી શોર્ટ ફિલ્મ તેમજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંગેની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોડીયા, ICAR ના ડી. જી. ડો. માંગીલાલ જાટ, ડાયરેક્ટર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, સુરત જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી. ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!