શેખપુરમાંથી ‘દહેશત’ કેદ: ઝાંઝરવાડીમાં ફફડાટ ફેલાવતો વિકરાળ દીપડો આખરે પાંજરે પુરાયો!

SHARE:

શેખપુર ગામના ઝાંઝરવાડી ફળિયામાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

​મહુવા:
મહુવા તાલુકાના શેખપુર ગામે છેલ્લા કેટલાક સમયથી મુક્તપણે ઘૂમી રહેલા અને વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઊભો કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. ઝાંઝરવાડી ફળિયામાં આતંક મચાવી રહેલા આ હિંસક પશુના પકડાવાથી સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ મોટી રાહત અનુભવી છે.
​સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, શેખપુર ગામના ઝાંઝરવાડી ફળિયા અને આસપાસના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની સક્રિયતા વધી ગઈ હતી.રાત્રિના સમયે અવારનવાર દીપડો ખુલ્લામાં ફરતો જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. પશુપાલકો પોતાના પાલતુ પ્રાણીઓની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા હતા અને લોકો સાંજના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા.
​દીપડાના ત્રાસ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી હતી અને દીપડાને પાંજરે પૂરવા માટે ઝાંઝરવાડી ફળિયા નજીકના વ્યૂહાત્મક સ્થળે પાંજરું ગોઠવ્યું હતું.​દરમિયાન ખોરાકની શોધમાં આવેલો દીપડો વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં કેદ થઈ ગયો હતો.સવારે દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબ્જો લીધો હતો અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડો પકડાઈ જતાં જ શેખપુર ગામના લોકો અને ખાસ કરીને ઝાંઝરવાડી ફળિયાના રહીશોએ ભયમુક્ત બનીને શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!