રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોનું સુરક્ષિત અને ગૌરવશાળી ભવિષ્ય સુનિશ્ચિત કરતી ‘સુબેદાર રામજી સકપાલ અગ્નિવીર તાલીમ યોજના’
પસંદગી પામેલા યુવાનોને ૭૫ દિવસ માટે અગ્નિવીર બનવા માટે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત તાલીમ અને રૂ.૨૫૦૦ સ્ટાઇપેન્ડની સહાય
અનુસૂચિત જાતિના યુવાનો રાષ્ટ્રની સુરક્ષામાં જોડાય અને સેનામાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘સુબેદાર રામજી સકપાલ અગ્નિવીર તાલીમ યોજના’ અમલમાં મુકાય છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ગત વર્ષે ૨૦૨૫માં આ યોજના શરુ કરવામાં આવી છે.
પાત્રતાના ધોરણો
કોઈ પણ પ્રકારની આવક મર્યાદા વિના, અનુસૂચિત જાતિના યુવાનો ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉંમર તેમજ ૭૭+૫ સે.મી. છાતીનું માપ, ૧૬૮ સે.મી. ઊંચાઈ અને ૫૦ કિ.ગ્રા. વજન સહિતની શારીરિક, ધો.૧૦માં ઓછામાં ઓછા ૪૫%ની શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
મળવાપાત્ર સહાય
યોજના અંતર્ગત પસંદગી પામેલા યુવાનોને ૭૫ દિવસ માટે અગ્નિવીર બનવા માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, તાલીમ દરમિયાન પ્રત્યેક તાલીમાર્થીને મહિને રૂ. ૧૦૦૦ લેખે ૭૫ દિવસ માટે કુલ રૂ.૨૫૦૦ સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવે છે.
પસંદગી અને અરજી પ્રક્રિયા
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી મળેલી અરજીઓમાંથી શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના આધારે પ્રાથમિક તબક્કે તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવશે. અરજી કરતી વખતે ધોરણ-૧૦ની માર્કશીટ, આધાર કાર્ડ અને જાતિનો દાખલો જેવા જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર લિંક https://sje.gujarat.gov.in/dscw/News/120825 પર સંપર્ક કરી શકાશે.
ખાસ કરીને અનુસૂચિત જાતિ(SC)ના યુવાનોને ભારતીય લશ્કર અને અગ્નિવીર ભરતીમાં શામેલ થવા અને પસંદગીપાત્ર બનવા નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત તાલીમ આપતી ‘સુબેદાર રામજી સકપાલ અગ્નિવીર તાલીમ યોજના’ તેમના સુરક્ષિત અને ગૌરવશાળી ભવિષ્ય માટે આશીર્વાદ સમાન છે.



