રાનવેરીખુર્દ મુકામે વિજયાદશમીએ વ્યસન મુક્તિ અભિયાન સંપન્ન: ૧૧૭ શ્રદ્ધાળુઓએ લીધા વ્યસન મુક્ત જીવનના સંકલ્પ
પૂજ્ય મહેશ બાપુના સાનિધ્યમાં યોજાયો સત્સંગ: “મારું ઘર, વ્યસન મુક્ત ઘર” નો આપ્યો પાવન સંદેશ
રાનવેરીખુર્દ:

પરમ જ્યોત સનાતન-માનવધર્મ સુચિત ટ્રસ્ટ, બુટવાડા દ્વારા વિજયાદશમીના પાવન અવસરે રાનવેરીખુર્દ મુકામે પરમ પૂજ્ય મહેશ બાપુના દિવ્ય સાનિધ્યમાં ભાવસભર સત્સંગ સમારોહ અને વિશેષ “વ્યસન મુક્તિ અભિયાન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આધુનિક યુગમાં સમાજના અનેક ભાઈઓ, બહેનો અને યુવાનો તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા, માવા-સોપારી તેમજ દારૂ જેવા વિવિધ નશાકારક દૂષણોના બંધાણી બની રહ્યા છે. આવા જીવલેણ વ્યસનોને કારણે કેન્સર જેવા ગંભીર રોગો થતાં અનેક હસતા-રમતા પરિવારો પાયમાલ થઈ જતા હોય છે. સમાજના લોકોને આ દૂષણમાંથી ઉગારી એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાના હેતુથી પૂજ્ય મહેશ બાપુ દ્વારા આ ક્રાંતિકારી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન પૂજ્ય મહેશ બાપુની પ્રેરણાથી ૬૮ ભાઈઓ અને ૨૬ બહેનોએ હાથમાં જળ લઈને જીવનભર વ્યસન મુક્ત રહેવાના પવિત્ર સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે વિશેષરૂપે ૨૩ બાળકોએ પણ ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. પૂજ્ય બાપુએ ભક્તિની સાથે આચરણ શુદ્ધિ પર ભાર મૂકતાં “મારું ઘર, વ્યસન મુક્ત ઘર” નો પ્રેરણાદાયી સંદેશ ઉપસ્થિત જનમેદનીને આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત શ્રી બિરેનભાઈ પટેલે વ્યસન મુક્ત જીવનના શારીરિક, આર્થિક અને સામાજિક ફાયદાઓ સદ્રષ્ટાંત સમજાવી સૌને વ્યસનોનો ત્યાગ કરવા અપીલ કરી હતી.
આ માનવ કલ્યાણકારી આયોજનને સફળ બનાવવા માટે સાંઈ સાર્વજનિક સેવા મંડળના સભ્યો, શ્રી ઈશ્વરભાઈ રોહિત તેમજ સનાતન પરિવારના શિષ્યોએ ભારે જહમત ઉઠાવી ભક્તિભાવપૂર્વક અપ્રતિમ સેવાઓ આપી હતી.


