કાંકરીયામાં ગેસ લીકેજ બાદ સ્વીચ પાડતાં જ વિકરાળ આગ: ₹3.50 લાખનો સામાન બળીને ખાખ, મંડપના સાધનો અને ઘાસચારો સળગી ગયા
સુરત/અનાવલ:
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાંકરીયા ગામે એક મકાનમાં ગેસ ગળતર બાદ અચાનક આગ ભબકી ઊઠતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘરમાં રાખવામાં આવેલ ઘરવખરી, મંડપ બાંધવાના સાધનો અને ઘાસચારો બળીને ખાખ થઈ જતાં અંદાજે ₹3.50 લાખનું મોટું નુકસાન થયું છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કાંકરીયા ગામના સનાઈમોરા ફળિયામાં રહેતા અને મજુરી કામ કરતા મિતેશભાઈ મનુભાઈ પટેલ (ઉં.વ. ૪૨)ના ઘરમાં ગઈ તા. ૨૦/૧૦/૨૦૨૬ના રોજ સાંજે આશરે ૧૭:૩૦ વાગ્યાના અરસામાં ગેસનો બાટલો લીકેજ થયો હતો. તે દરમિયાન લાઈટનો બલ્બ સળગાવવા માટે સ્વીચ પાડતાં જ અકસ્માતે વિકરાળ આગ લાગી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે ઘરમાં મૂકેલી તમામ ઘરવખરીનો સરસામાન, પશુઓ માટે રાખેલો સૂકો ઘાસચારો તેમજ મંડપ બનાવવાના સાધનો અને મંડપ બાંધવાના કાપડો સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આ અકસ્માતમાં કુલ રૂ. ૩,૫૦,૦૦૦/-નું નુકસાન થવા પામ્યું છે. આ ઘટના સંદર્ભે તા. ૨૧/૧૦/૨૦૨૬ના રોજ અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


