અંબિકા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક ચરમસીમા પર હતો.ગામડાઓમાં રાત પડતાં જ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા હતા. વન્યજીવો ખોરાકની શોધમાં હવે સીધા માનવ વસ્તી તરફ આવી રહ્યા છે,જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપેલો હતોપરંતુ, આ દહેશત વચ્ચે અંબિકા તાલુકાના બુટવાડા ગામેથી અત્યારના સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે! બુટવાડા ગામના વાણીયાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આંટાફેરા મારતો ખુંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ ગયો છે.દીપડો પાંજરે પુરાયો હોવાની ખબર વાયુવેગે ગામમાં ફેલાતા જ લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.જે દીપડાના ડરથી લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા, તેને પાંજરામાં કેદ થયેલો જોવા માટે ગ્રામજનોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.દીપડો કેદ થયાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.વન અધિકારીઓએ સુરક્ષિત રીતે પાંજરા સાથે દીપડાનો કબજો મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ દીપડાને માનવ વસ્તીથી દૂર ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



